1 ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ”

દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઇડ્સ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ એચઆઈવી– એઇડ્સ વિશે લોકોને જાગૃત કરવો, ભેદભાવ દૂર કરવો અને સમાજમાં સંવેદનશીલ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો છે. એચઆઈવી રોગ નથી, પરંતુ માનવ શરીરના પ્રતિરક્ષા તંત્રને અસર કરતો વાયરસ છે, જેને યોગ્ય સારવાર અને સમયસર ટેસ્ટિંગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. આ દિવસે રાજ્યના આરોગ્ય વિભાગ, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO), વિવિધ એનજીઓ, યુવા સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમો, રેલી, સેમિનાર, મફત એચ.આઈ.વી. ટેસ્ટિંગ કેમ્પ, તથા પોસ્ટર પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર અને સમાજની સંયુક્ત મહેનતથી એચઆઈવીના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છતાંય, યુવાનો, માઇગ્રન્ટ વર્કરો, જોખમવાળા વર્ગો અને માહિતીના અભાવ ધરાવતા વિસ્તારોમાં જાગૃતિ વધારવાની જરૂરિયાત યથાવત્ છે. સરકારે ART દવામાં મફત સારવાર, એચ.આઈ.વી. ટેસ્ટિંગ સેન્ટરો, કન્ડોમ પ્રમોશન, રક્તસંચારની સુરક્ષા અને ગર્ભવતી મહિલાઓ માટે PMTCT કાર્યક્રમો દ્વારા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.
સામાજિક ભ્રમ અને ભેદભાવ એચઆઈવી સામેની લડતમાં સૌથી મોટો અવરોધ છે. સ્પર્શ, હાથ મિલાવવા, સાથે ખાવા–પીવાથી અથવા સામાન્ય સંપર્કથી એચઆઈવી ફેલાતો નથી. આ સત્ય દરેક વ્યક્તિ સુધી પહોંચાડવું અત્યંત જરૂરી છે. એચ.આઈ.વી. પોઝિટિવ વ્યક્તિ પણ સામાન્ય જીવન જીવી શકે છે, કામ કરી શકે છે અને સમાજનો સમાન ભાગ બની શકે છે. તેમની સાથે માન–સન્માનથી વર્તવું એ માનવતાનું પ્રથમ કર્તવ્ય છે.
વિશ્વ એઇડ્સ દિવસ એ યાદ અપાવે છે કે જાગૃતિ એ સૌથી મોટું રક્ષણ છે, અને સહાનુભૂતિ એ સૌથી મોટી દવા છે. રોગ સામે લડવાનું છે, રોગી સામે નહીં. યુવાનોને યોગ્ય માહિતી પહોંચાડવી, સુરક્ષિત જીવનશૈલી અપનાવવી અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો સ્વીકાર કરવો. આવી દરેક જવાબદારી આપણે સૌએ મળીને નિભાવવી જોઈએ.
-મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999)









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































