જાનવર આપણા ‘જીવન ધન’ છે,તેમને ‘પશુ’ કહેવું યોગ્ય નથી : રાષ્ટ્રપતિ

પશુપાલન વૈજ્ઞાનિક સંસ્થાનો દીક્ષાંત સમારોહ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું છે કે જાનવરો માટે ‘પશુ’ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમણે જાનવરોને ‘જીવન ધન’ ગણાવ્યા છે. રાષ્ટ્રપતિ ભારતીય પશુ વૈજ્ઞાનિક સંસ્થા (આઈવીઆરઆઈ) ના 11મા દીક્ષાંત સમારોહમાં ભાષણ આપી રહી હતી. તેમણે કહ્યું, ‘જાનવરો વગર ખેડૂત આગળ વધી શકતો નથી, તેથી ‘પશુ’ શબ્દ યોગ્ય લાગતો નથી. તેમના વિના આપણે જીવનની કલ્પના પણ કરી શકતા નથી.’ તેમણે કહ્યું, ‘આપણી સંસ્કૃતિ જીવ-જંતુઓમાં પણ ઈશ્વરની હાજરી માને છે. પશુઓ સાથે આપણા દેવતાઓ અને ઋષિ-મુનિઓનો સંવાદ જોવા મળે છે. ભગવાનના ઘણા અવતારો પણ આ વિશિષ્ટ શ્રેણી સાથે સંબંધિત છે.’ તેમણે ઉમેર્યું, ‘જ્યારે અમે નાના હતા ત્યારે ખૂબ ગીધ જોવા મળતા. આજે તેઓ લુપ્ત થઈ ગયા છે. તેનું કારણ પશુ ચિકિત્સામાં વપરાતી કેટલીક રસાયણિક દવાઓ પણ છે. આ દવાઓ પર પ્રતિબંધ મૂકવો પ્રશંસનીય પગલું છે.’







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































