સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોઈ ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરે તો તેમના નામનું વૃક્ષ નિ:શુલ્ક વાવવામાં આવશે
- સ્વર્ગસ્થ વ્યક્તિની ચેતનાને વૃક્ષ થકી જીવિત રાખવાનું સૌભાગ્ય
સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં 10 જિલ્લાઓમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું ‘ધ ગ્રીન મૈન’ તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ 250 ટ્રેકટર, 250 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 1000 લોકોનો પગારદાર સ્ટાફ આ અભિયાન ચલાવી રહી છે. ગુજરાતનાં વિવિધ શહેરમાં જુદા-જુદા અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવ્યા છે. સદભાવનાવૃધ્ધાશ્રમ તરફથી આ વર્ષે રાજકોટને જોડતા હાઈ-વે પર વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોઈ ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરે તો તેમના નામનું વૃક્ષ નિ:શુલ્ક વાવવામાં આવશે. સ્વર્ગસ્થ વ્યક્તિનાં નામની તકતી સાથે વૃક્ષો નિ :શુલ્ક વાવવામાં આવશે. દર ત્રણ મહીને વાવેલ વૃક્ષનો ફોટો અને રીપોર્ટીંગ પણ આપવામાં આવશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરે તો તેમની વિગતો સાથે સદભાવના વૃદ્ધાશ્રમને (મો. 78619 37738) પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.