#Blog

ગોપાષ્ટમી નિમિત્તે – ગૌસેવા એ જ રાષ્ટ્રસેવા : ડૉ. વલ્લભભાઇ કથીરિયા

ગોપાષ્ટમીનો પાવન પ્રસંગ આપણને ગૌમાતાના અપાર ઉપકારો, આધ્યાત્મિક મહિમા અને આપણા જીવન સાથેના તેના અવિનાશી સંબંધની યાદ અપાવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા “ધરતીની ધનસંપત્તિ” તરીકે પૂજાય છે. ગૌમાતા માત્ર એક પ્રાણી નહીં પરંતુ સંસ્કૃતિનું પ્રતિક, સમૃદ્ધિનું આધારસ્તંભ અને કરુણાની પ્રતિમા છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – “ગાવઃ સર્વસુખપ્રદાઃ”, એટલે કે ગૌમાતા સર્વ સુખ અને સમૃદ્ધિ આપનારી છે.

ભારતના ઋષિઓ ગાયને માતૃત્વના સ્વરૂપમાં પૂજેલી છે. ગૌમાતા આપણા શરીરને પોષણ આપે છે, મનને શાંતિ આપે છે અને આત્માને શુદ્ધિ આપે છે. દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર – પંચગવ્યના રૂપમાં – આરોગ્ય, કૃષિ, ઔષધ અને ઉદ્યોગ ક્ષેત્રમાં અદ્ભુત ઉપયોગી છે. ગૌ આધારિત ઉત્પાદનો પ્રકૃતિમૈત્રી જીવનશૈલી તરફ દોરી જાય છે અને સ્વદેશી સ્વાવલંબનનો માર્ગ દર્શાવે છે.

ગૌસંસ્કૃતિ એ આપણા રાષ્ટ્રની આત્મા છે. ગૌમાતા વગર ભારતની ગ્રામ્ય અર્થવ્યવસ્થા અધૂરી છે. આજના યુગમાં જ્યારે પર્યાવરણ, આરોગ્ય અને રોજગારના પ્રશ્નો ગંભીર બની રહ્યા છે, ત્યારે ગૌમાતા તેનું સર્વાંગી ઉકેલ પ્રદાન કરે છે. ગાય ના ગોબરથી બનેલા ઓર્ગેનિક ખાતર જમીનની ઉર્વરા શક્તિ વધારે છે, ગૌમય (ગોબર) થી બનેલા દીવા, ધૂપ અને શણગાર વસ્તુઓ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે, જ્યારે ગૌમૂત્રથી બનતી ઔષધિઓ આરોગ્ય અને આયુર્વેદને વેગ આપે છે.

ગોપાષ્ટમી એ ગૌસેવાના ભાવને જાગૃત કરનાર પવિત્ર તહેવાર છે. આ દિવસે આપણે ગૌમાતાની પૂજા કરી, તેના ચરણોમાં નમન કરીને ગૌ સંરક્ષણ અને ગૌસંવર્ધન માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ.  આપણી સ્વદેશી ગૌપ્રજાતિઓ વિશ્વની શ્રેષ્ઠ દૂધદાત્રી જાતિઓમાં ગણાય છે. તેમની સંખ્યા વધારવી, શુદ્ધ જાતિ જાળવી રાખવી અને ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા ગ્રામ્ય રોજગાર વધારવો આપણા સૌની સામૂહિક જવાબદારી છે.

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)   આ દિશામાં સતત કાર્યરત છે. ગૌ આધારિત ઉદ્યોગો, ગૌસંવર્ધન, ગૌવિજ્ઞાન અને ગૌશિક્ષણના માધ્યમથી “ગૌ આધારિત આત્મનિર્ભર ભારત”નું સ્વપ્ન સાકાર કરવા માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. ગામડાંમાં ગૌ આધારિત ઉદ્યોગના તાલીમ કેન્દ્રો, પંચગવ્ય ઉત્પાદનોના સ્ટાર્ટઅપ્સ,  મહિલા ઉદ્યોગ સાહસિકતાઓ અને ગૌ ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઉભી થઈ રહી છે.

આજની પેઢીને ગૌવિજ્ઞાન અને ગૌઆધારિત જીવનની વૈજ્ઞાનિક સમજ આપવી જરૂરી છે. ગૌમાતા પરંપરાનું પ્રતિક હોવા સાથે પર્યાવરણ રક્ષણની ચાવી પણ છે. ગૌમય(ગોબર)થી બનેલા બાયોગૅસ, વીજળી અને ખાતર જેવી નવીન શોધો આપણને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવાનું શીખવે છે. ગૌમાતા આધ્યાત્મિકતાનો સ્ત્રોત છે. કારણ કે તેના ચરણોમાં કરુણા, ત્યાગ અને માતૃત્વના ત્રણેય ગુણો સમાયેલા છે.

ગોપાષ્ટમીના આ શુભ દિવસે હું સમગ્ર સમાજને આહ્વાન કરું છું કે આપણે સૌ મળીને ગૌમાતાની સેવા અને રક્ષા માટે એક રાષ્ટ્રીય અભિયાન સ્વરૂપે પ્રયત્ન કરીએ. દરેક ઘરમાં ગૌપૂજા, દરેક ગામમાં ગૌશાળા અને દરેક હૃદયમાં ગૌભક્તિ જગાડીએ. જ્યારે ગૌસેવા આપણા જીવનનો અવિભાજ્ય ભાગ બનશે, ત્યારે ભારત ખરેખર ફરીથી ગૌમય ભારત તરીકે વિશ્વમાં પ્રકાશિત થશે.

ચાલો, આ ગોપાષ્ટમીના અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ – ગૌસેવા, ગૌઉદ્યોગ અને ગૌસંવર્ધન દ્વારા રાષ્ટ્રને સુખ-શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના માર્ગે લઈ જવાનો.

વંદે ગૌ માતરમ્.

ડૉ. વલ્લભભાઇ કથીરિયા
પૂર્વ મંત્રી, ભારત સરકાર
પૂર્વ અધ્યક્ષ – રાષ્ટ્રીય કામધેનુ આયોગ
અધ્યક્ષ – ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *