14 નવેમ્બર, “બાળ દિવસ”

હતું અહંભવ વગરનું બાળપણ, જાણે એ કપટ વિનાનું ભોળપણ એ જ સાકર પણ અને ગોળ પણ, યાદ આવે છે બાળપણનું ગળપણ
દર વર્ષે 14 નવેમ્બરનાં દિવસને “બાળ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. UN દ્વારા 20 નવેમ્બર, 1954નાં રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે ભારતમાં પંડિત જવાહરલાલ નહેરુનાં નિધન પહેલા 20 નવેમ્બરનાં રોજ “બાળ દિવસ” મનાવવામાં આવતો હતો, પરંતુ 27 મે 1964નાં રોજ પંડિત જવાહરલાલ નહેરુનાં નિધન બાદ બાળકો પ્રત્યે તેમનાં પ્રેમને જોતા સર્વસંમતિથી એ નિર્ણય થયો કે હવેથી દર વર્ષે 14 નવેમ્બરનાં રોજ ચાચા નહેરુનાં જન્મ દિવસ પર બાળ દિન મનાવવામાં આવશે ત્યારબાદથી દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ બાળ અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. એક બાળકનું મન કુમળું હોય છે. હાલનાં સમયમાં ક્યાંક બાળકનાં મન સાથે ચેનચાળા કરીને એને ક્યાંકને ક્યાંક પૈસાની કે બીજી કોઈ વસ્તુની લાલચમાં ખોટા કામો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઘણી વખત તો આ કામ બાળકનાં માતા પિતા દ્વારા જ કરવામાં આવે છે જે ખરેખર ખુબ દયનીય બાબત છે. બાળકને બાળક સમા જ રહેવા દેવું જોઈએ. માતા પિતાએ ક્યારેય પણ પોતાનાં અંગત સ્વાર્થ માટે બાળકોનું જીવન ન બગાડવું જોઈએ કે તેઓ માનસિક રીતે ઉદાસીન થાય તેવું ન થવા દેવું જોઈએ. એ ખૂબ જરુરી છે કે બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ, સંસ્કાર મળે કારણકે બાળકો દેશનું ભવિષ્ય છે. બાળકનાં સારા ભવિષ્ય માટે, સર્વાંગી વિકાસ તથા તેનાં મૂળભૂત હકોના રક્ષણ માટે કટિબદ્ધ થવા બાળ દિવસ સમગ્ર વિશ્વભરમાં ઉજવાય છે. આપણાં દેશમાં બાળ દિવસને મસ્તી અને આનંદનાં દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
આપણાં દેશનાં બંધારણમાં પણ 6 થી 14 વર્ષનાં તમામ બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે. બાળક એ આવતીકાલનું સમાજ છે. આવતીકાલનાં નાગરીકને વિકાસની હરણ ફાળમાં તમામ પ્રકારે મદદ સાથે તેમના કલ્યાણ બાબતેના કાર્યોમાં સમાજના દરેક વર્ગે મદદરૂપ થવું જરૂરી છે. આજે ગરીબ મા-બાપના સંતાનો આર્થિક ઉપાર્જન માટે દુકાનો-રેસ્ટોરન્ટો, ચા-પાનગલ્લે કે અન્ય સ્થળે બાળ મજૂરી કરીને પૈસા કમાય છે. ભણવાની ઉમંરે કામ કરતા બાળકોની સંખ્યા આપણા દેશમાં ઘણી છે. આ બાબતે કાયદો તો છે પણ અમલવારી ન થવાથી બાળ મજૂરી પ્રથા આજે પણ ચાલું છે. આ બાળ દિવસે સૌ આ તરફ ચિંતા કરવાની જરૂર છે. બાળકોને નાગરિક તરીકે વિકસવાનો અધિકાર છે જે માટે આજે તો બધા માટે વિવિધ કાર્યક્રમો થતા હોય છે પણ બાળકો માટેના કાર્યક્રમોની અછત છે. ચિલ્ડ્રન કલબસ શરૂ કરીને કલ્ચરલ અને સ્પોટ્સમાં વિકાસ કરવો અને તેના રસ રૂચિ વલણોને ધ્યાને લઇને તમામ મદદ કરવી સૌની નૈતિક જવાબદારી છે. બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન સાથે વિશાળ અને સમાન તકો આપવી જોઇએ જેથી તે રાષ્ટ્રનાં વિકાસમાં લાંબા ડગલા ભરી શકે. બાળકનો શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકાર છે.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































