બગસરામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મહત્વની બેઠક મળી : તાલુકા સમિતિની રચના

બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ જળસંચય અને પર્યાવરણ જતનનો લીધો સંકલ્પ
અમરેલી જિલ્લાના બગસરા સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી વિવેકસ્વરૂપ સ્વામીના અધ્યક્ષસ્થાને ગીરગંગા પરિવાર ટ્રસ્ટની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બગસરા તાલુકાના ૩૪ ગામોના સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં ટ્રસ્ટની બગસરા તાલુકા કમિટીની વિધિવત રચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી આશીર્વચન પાઠવતા શ્રી વિવેકસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. ગીરગંગા પરિવાર દ્વારા જે રીતે જળસંચય અને પર્યાવરણના કાર્યો થઈ રહ્યા છે, તે આવનારી પેઢી માટે અમૂલ્ય વારસો સાબિત થશે. માનવીએ પોતાની જરૂરિયાતોની સાથે સાથે ધરતી માતાનું પણ ઋણ અદા કરવું જોઈએ. જો આપણે કુદરતને સાચવીશું, તો કુદરત આપણને સાચવશે.
આ બેઠકમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ ટ્રસ્ટની કામગીરી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, પરિવાર છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના ગામડે-ગામડે ચેકડેમ ઉંડા,ઊંચા કરવા, નવા બનાવવા વગેરે સહિતના કાર્યો કરી રહ્યું છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવાનો અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો છે. અત્યાર સુધીમાં હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળે તે માટે લોકભાગીદારીથી જળક્રાંતિના કાર્યો સંપન્ન થયા છે. આગામી સમયમાં બગસરા તાલુકાના દરેક ગામમાં પર્યાવરણ અને જળ જાળવણીના કાર્યોને વેગવંતા બનાવવામાં આવશે.
આ બેઠકમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ બગસરા તાલુકા માટે 10 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી તેમજ તાલુકાના અનેકવિધ ગામોમાંથી બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ જળસંચય અને પર્યાવરણ જતનનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સર્વશ્રી રમેશભાઈ ધાનાણી, અરવિંદભાઈ ડોબરીયા, ગિરધરભાઈ ગેવરીયા, ‘કૃષિના ઋષિ’ તરીકે જાણીતા પ્રફુલભાઈ સેંજલીયા, કનુભાઈ કક્કર, હરસુખભાઈ રામાણી, ધીરુભાઈ રામાણી, બાલ વિકાસ ભવનના પ્રમુખ દેવચંદભાઈ સાવલિયા તેમજ વેપારી અગ્રણી બાલુભાઇ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































