#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય મહાઅભિયાનને વેગ

‘જલકથા માટે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓને રૂબરૂ આમંત્રણ પાઠવાયું

રાજકોટમાં 19 સ્થળો પરથી ડો. કુમાર વિશ્વાસની કથાના પાસ વિતરણનો પ્રારંભ

સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અદભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. વિખ્યાત કવિ, કથાકાર અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસના વ્યાસાસને યોજાઈ રહેલ આ જલકથામાં હાજરી આપવા તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રેસરોએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મંત્રીઓને ભાવપૂર્વક રૂબરૂ આમંત્રણ પાઠવ્યું હતું.
જળસંચયના મહાઅભિયાનને જનજાગૃતિ અને અનુદાન દ્વારા વેગ આપવાના હેતુથી યોજવામાં આવેલ આ જલકથા દરમિયાન ડો. કુમાર વિશ્વાસ ભગવાન શ્રીકૃષ્ણ (શ્યામ)ની કથા સાથે જળ સંરક્ષણનું મહત્વ અને તેની તાત્કાલિક જરૂરિયાત અંગે પ્રેરક સંદેશ આપશે. આ ઐતિહાસિક જલકથા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ સાંજે ૭ થી ૧૨ દરમિયાન યોજાશે.
દરમિયાન, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રેસરોએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને અગ્રણી નેતાઓને રૂબરૂ મળીને જલકથામાં ઉપસ્થિત રહેવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવ્યું હતું. ટ્રસ્ટના અગ્રેસર શ્રી જે.કે. સરધારાએ સૌ પ્રથમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જલકથામાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ટ્રસ્ટના જળસંચયના કાર્યોની સરાહના કરીને જલકથાને શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી જે.કે. સરધારા, શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી જીતુભાઈ મહેતાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને પણ રૂબરૂ મળીને ત્રણેય દિવસ માટે જલકથામાં હાજરી આપવા આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યું હતું
સચિવાલયમાં ઉપસ્થિત રાજ્યના મંત્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રી રમણભાઈ સોલંકી, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, સુશ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી જયરામભાઈ ગામીત, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીને પણ રૂબરૂ આમંત્રણ આપવામાં આવ્યું હતુ.
આ તમામ મંત્રીઓને ગીરગંગાના જળસંચયના કાર્યોથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને મંત્રીઓએ જલકથાને શુભકામનાઓ પાઠવીને પોતાની અનુકૂળતા મુજબ હાજર રહેવા માટે ખાતરી આપી હતી.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણી શ્રી જે.કે. સરધારાએ જણાવ્યું હતું કે, જે મંત્રીઓને તેમની અનુપસ્થિતિને કારણે રૂબરૂ મળી શકાયું ન હતું, તેમને પુન: રૂબરૂ મળીને આમંત્રણ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં, ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના હજારો આગેવાનોને આમંત્રણ પાઠવેલ છે તેમજ રાજકોટમાં કુલ ૧૯ સ્થળ ઉપરથી નાગરિકો માટે વિનામૂલ્યે પાસ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *