#Blog

ગીરગંગા દ્વારા ૧૧૧ પવિત્ર નદીઓના જળકળશનું પૂજન માટે વિતરણ કરાશે

ઉમિયા માતાજી મંદિર, સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતીની બેઠક મળી

ઉમિયા માતાજી મંદિર-સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતી દ્વારા તાજેતરમાં ઉમા ભવન, રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રાજકોટના ઘરેઘરમાં જળકળશનું પૂજન થાય તે માટે આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, જળસંચયનું મહત્વ પ્રસ્થાપિત થાય અને આ સંદર્ભમાં જનજાગૃતિ આવે તેવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડો. કુમાર વિશ્વાસની ડિસેમ્બર માસમાં યોજાનાર જલકથા પૂર્વે ભારતભરની કુલ ૧૧૧ પવિત્ર નદીઓનું નિર્મળ જળ એકત્ર કરવામાં આવ્યું છે. આ પવિત્ર જળ શહેરના દરેક ઘર સુધી પહોંચે અને બહેનો દ્વારા તેનું વિધિવત્ પૂજન થાય તે માટે સુચારુ આયોજન ઘડી કાઢવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

    તાજેતરમાં રાજકોટના સુવર્ણભૂમિ ચોકમાં આવેલ વીવાયઓ હવેલીથી જળ કળશ યાત્રા નીકળીને અંબાજી માંના મંદિરે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા. ત્યારબાદ ગઈકાલે મળેલી બહેનોની બેઠકમાં પવિત્ર નદીઓનું જળ ઘેર ઘેર પૂજન માટે પહોંચે તે માટે નિર્ણય લેવાયો હતો. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારની બહેનો દ્વારા જળ કળશનું પૂજન થાય તે માટે જળ કળશ વિતરણ કરવામાં આવશે. ​આ વિતરણ કાર્યક્રમ ઉમિયા મહિલા સંગઠન સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખશ્રી સરોજબેન મારડિયાના નેતૃત્વમાં કરવામાં આવનાર છે.

     આજની બેઠકમાં સરોજબેન માકડિયા, ડૉ.મીતાબેન પટેલ, વર્ષાબેન માંકડિયા તેમજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારના હોદ્દેદાર બહેનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજનની રૂપરેખા તૈયાર કરી હતી.

     ​આ સમગ્ર આયોજનનો હેતુ પવિત્ર નદીઓ અને જળના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો અને ધાર્મિક ભાવના સાથે સૌને જોડવાનો છે.

આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવારના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, સર્વશ્રી જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, કૌશિકભાઈ સરધારા  વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *