સમસ્ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની જીવદયા સંસ્થાઓના મોભી અનેગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ

સમસ્ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની જીવદયા સંસ્થાઓના મોભી અને ગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ. સ્વ. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થયા હતાં ત્યારથી સમગ્ર ગુજરાતના અહિંસા પ્રેમી, જીવદયા પ્રેમી લોકોની અપેક્ષા વધી ગઈ હતી અને પોતાની 5 વર્ષની પણ ઝડપ, નિર્ણયોની દ્રષ્ટિએ 20 – 20 ઇનિંગમાં વિજયભાઈએ સંતોષવામાં મહદ અંશે સફળ રહ્યા હતા. આ પહેલા ક્યારેય ગુજરાતમાં જીવદયા ક્ષેત્રે આટલા બધા મહત્વનાં નિર્ણયો નથી લેવાયા. સમગ્ર ભારત માં અત્યંત કડક ગૌવંશ હત્યા પ્રતિબંધક ધારો વિધાન સભામાં પસાર કરાવ્યો અને તેનું સફળ અમલીકરણ, પશુઓની હેર ફેર માટે અત્યંત કડક કાયદા અને તેના થી ગેરકાયદેસર હેર ફેર અટકાવવામાં મહદ સફળતા, ઘવાયેલા પશુ પક્ષીઓની ત્વરિત સારવાર માટે રાજ્યવ્યાપી “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પ્રોજેક્ટ “, વાઈબ્રન્ટ ગુજરાત 2017 ના ઐતિહાસિક સમિટ માં થનારા કરોડો રૂપિયા ના એગ પાઉડર ના M.O.U.ને ત્વરિત નિર્ણય લઈ રદ કર્યો. સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર મકર સંક્રાતિ એ ઘવાતા નાના નાના અબોલ પક્ષીઓના ત્વરિત બચાવ માટે રાજ્ય સ્તરનું “કરુણા અભિયાન” શરૂ કરાવ્યું. ભારતીય ગૌવંશ ની ઉત્તમ ઔલાદના નંદી મહારાજના સંવર્ધન માટે નંદિ ઘર યોજના શરૂ કરાઇ, ખેતરોમાં ભટકતા રોઝ અને નીલગાયના બચાવ માટે સુંદર યોજના, અવારનવાર અને જરૂરિયાત મુજબની અબજો રૂપિયાની સબસીડી દુષ્કાળ-અતિવૃષ્ટિ-કોરોના કાળમાં ગૌશાળા,પાંજરાપોળોને અપાઈ. 100 કરોડનું ‘પાંજરાપોળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ પણ આપ્યું, જીવદયાનું કામ લઈને આવેલા કોઈ પણ ને, ક્યારેય પણ તરત મળવાનું, રજુઆત શાંતિથી અને પૂરતો સમય આપી શક્ય અને ત્વરીત પગલાંઓ ભરી પૂર્ણ કરાવવાની. ગાય આધારિત ખેતીને પ્રચંડ મહત્વ, સારી સબસીડીઓ શરૂ કરાવી.ગૌ સેવામાં ઉત્તમ સહયોગ આવાં તો કેટલાય જીવદયા-ગૌ સેવા સત્કર્મો,આજીવન સ્વ. વિજય ભાઈ રૂપાણીએ કરાવ્યા. સમસ્ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની જીવદયા સંસ્થાઓના મોભી અને ગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ડો. ગિરીશભાઈ શાહ, મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ધીરેન્દ્ર કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































