#Blog

જન્માષ્ટમી કાવ્ય

હવે પાછો તું આવી જાને કાન્હા

હવે પાછો તું આવી જાને કાન્હા વાયદો
તારો તું નિભાવી જાને કાન્હા

તે કિધું તું કે જન્મીશ હું યુગે યુગે
સજજનોને તું બચાવી જાને કાન્હા

ગાયો તારી રખડે છે રસ્તે ને કપાય પણ
ગોવાળધર્મ તું બજાવી જાને કાન્હા

પોતાનાં જ ગોવર્ધનો નીચે દબાયાં છે સૌ
ટચલી આંગળી તું ઉઠાવી જાને કાન્હા

સુદામા તારો અટવાયો છે નોકર શાહીમાં
દ્વારે આવીને તું બોલાવી જાને કાન્હા

વાંસળી સૂર થયો છે બહેરો કળીયુગે
હવે સુદર્શન તું ચલાવી જાને કાન્હા

પાંડવોને ય હવે ખપે છે માત્ર અક્ષૌહિણી જ
તારું મહત્વ તું સમજાવી જાને કાન્હા

તારાં જ ભકતો લડે છે હવે તારાં જ નામે
ગૃહયુદ્ધ તું અટકાવી જાને કાન્હા

સટ્ટો,કુસંગ,લાલચ છે અધોગતિનું મૂળ
યુધિષ્ઠરને સત્ય તું સમજાવી જાને કાન્હા

વિભીષણ જેમ કર્ણ,ભીષ્મ ય કરે છે પક્ષપલ્ટો
સતાનું નવું ગણિત તું ભણાવી જાને કાન્હા

કુદરતી-માનવસર્જિત આપદાથી ત્રસ્ત છે વિશ્વ
રામ રાજય પાછું તું સ્થાપી જાને કાન્હા હવે પાછો
તું આવી જાને કાન્હા

  • મિતલ ખેતાણી (રાજકોટ, મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *