#Blog

પીપલાંત્રી ગામ : દીકરીઓના સન્માન અને પર્યાવરણ જાળવણીનું અનોખો ઉદાહરણદરેક દીકરીના જન્મ નિમિત્તે 111 વૃક્ષ વાવવામાં આવે છે

રાજસ્થાનના પીપલાંત્રી ગામે દીકરીઓના સન્માન અને પર્યાવરણ જાળવણી માટે અનોખી પ્રથાઓ અને પ્રયત્નોથી વિશ્વભરમાં માન્યતા મેળવી છે. ગામની આ પ્રથા 2006થી શરૂ થઈ હતી, ત્યારે ગામના પૂર્વ સરપંચ શ્યામ સુંદર પાલીવાલે આ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની દીકરી કિરણના અકાળ મૃત્યુ પછી, તેમણે દીકરીઓના સન્માન અને પર્યાવરણની સુરક્ષા માટે નવી પ્રથા ઉભી કરી હતી.

પીપલાંત્રી ગામમાં દરેક દીકરીના જન્મ પર 111 વૃક્ષ વાવવામાં આવે છે. આ માત્ર દીકરીના જન્મનો જ ઉત્સવ નથી, પણ પર્યાવરણ માટે અમૂલ્ય યોગદાન છે. 111 વૃક્ષોના વાવેતર સાથે, ગામની દીકરીઓના જન્મને પર્યાવરણ જાળવણી સાથે જોડવામાં આવે છે. આ વૃક્ષોની સંભાળ અને જતન માટે ગામવાસીઓ સમુહમાં જોડાઈને કામ કરે છે, જે દીકરીના જન્મને લાંબાગાળાના વિકાસ સાથે જોડે છે. ગામની દીકરીઓ મળીને આ વૃક્ષોને દર વર્ષે રાખડી બાંધે છે અને એ વૃક્ષોને તેઓ પોતાના ભાઈ જ માને છે, કારણ કે એ વૃક્ષો તેમની માતાએ જ વાવ્યા છે.

આ સાથે, ગામમાં કિરણ નિધિ યોજના હેઠળ સૌ ગામ લોકો દીકરી માટે 21,000 રૂપિયા ભેગા કરે છે અને તેની FD (સ્થાયી થાપણ) દીકરીના નામે કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દીકરીના ભાવિ માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ કામમાં ગામવાસીઓ અને ઉદ્યોગપતિઓ સહભાગી બને છે. આ નિર્ણય ગામની દીકરીઓ માટે નાણાકીય આધાર પૂરો પાડે છે અને બાળવિવાહ જેવા સામાજિક દુષણોને રોકવાનો પ્રયાસ કરે છે.

પીપલાંત્રી ગામ પર્યાવરણ જાળવણીમાં પણ આગવું યોગદાન આપી રહ્યું છે. એક સમયે ગામની જમીન સુકાઈ ગઈ હતી, પાણીની તીવ્ર અછત હતી અને ખેતરો બેરણ થઈ ગયા હતા. સૌ જંગલી પ્રાણીઓ રેતાળ પ્રદેશ થઇ જવાને કારણે ગામમાંથી નીકળી ગયા હતા. ગામના વૃક્ષારોપણ અભિયાન અને જળસંચય માટેના પ્રયત્નોથી ગામની જમીનમાં ફરીથી જનજીવન ફરકવા લાગ્યું છે. આ વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ પ્રાણી અને માનવ જીવન માટે પણ મક્કમ આધારરૂપ બન્યાં છે.

અહીંની એક અનોખી પરંપરા એ છે કે કોઈ વ્યકિતના મરણ પછી પણ તેના સ્મરણમાં 11 વૃક્ષ વાવવામાં આવે છે. આ પ્રથા પર્યાવરણની જાળવણી સાથે માનવીય સંવેદનશીલતા અને સામાજિક પ્રતિબદ્ધતાનો સંકલન કરે છે. આ અભિયાન દ્વારા પીપલાંત્રી ગામમાં અત્યારસુધી લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તેનું જતન પણ કરવામાં આવ્યું છે.

પીપલાંત્રી ગામે દીકરીના સન્માન અને પર્યાવરણ જાળવણીના આ અનોખા અભિયાનથી સૂકેલી, ઉજ્જડ જમીનને ફરીથી હરિયાળી બનાવી છે. પીપલાંત્રી ગામ સમાજ માટે એક પ્રેરણાસ્થાન બન્યું છે. દરેક ગામ, શહેરો અને રાજ્યોએ પીપલાંત્રી ગામથી પ્રેરણા લેવી જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. દુનિયાના દરેક લોકો જો પોતાના જીવનકાળ દરમિયાન એક એક વૃક્ષ વાવશે તો સમગ્ર વિશ્વમાં ફરીથી હરિયાળી ફેલાઈ જશે અને પ્રદુષણની સમસ્યાને દૂર કરી શકાશે.

માહિતી : મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *