વ્યકિત દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદૂષણને ૩૦૦ ઝાડ મળીને શોષી શકે

આજે વિશ્વ વન દિવસઃ ૫૦ વર્ષોમાં એક ઝાડ કુલ ૧૭.૫૦ લાખ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે.
વિશ્વ વન દિવસ દર વર્ષે ૨૧ માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઈ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફૂટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને ક્યારેક સ્વને અનુભવીને આપણે એમને માટે કરુણા અનુભવી શકતા હોઈએ છીએ. ખેર,આ તો મનુષ્ય છે જે એક એવું સંસારિક પ્રાણી છે જે બોલી શકે છે, કામ કરી શકે છે, કમાય શકે છે પણ પ્રાણીઓ આપણે દિવસે દિવસે જંગલો કાપીને પ્રાણીઓના નિવાસ સ્થાન છીનવી રહ્યા છીએ અને એ કશું કહેતા પણ નથી. હા એક વાત છે આપે એ તો જોયું જ હશે કે હમણાં હમણાં વન્ય જીવોના કોઈ ગામમાં કે શહેરમાં પ્રવેશ કરવાના કિસ્સા હવે પહેલા કરતા વધુ થઈ રહ્યા છે. અહીં એમ કહેવાય છે કે વન્યજીવોએ કોઈ ગામમાં,વિસ્તારમાં ઘુષણખોરી કરી છે પરંતુ ખરી વાત તો એ છે કે મનુષ્યએ એના ઘરમાં ઘુષણખોરી કરી છે, કારણ કે વધતા જતા આધુનિકરણની પાછળ અહીં તહીં બંગલા, ઓફિસો બનાવવામાં વૃક્ષો કાપતા જઈએ છીએ. શહેરો લંબાતા જાય છે અને ગામડાઓ એમાં વિલીન થતા જાય છે. રોજ રોજ નવા રોડ રસ્તા બનાવવામાં, ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરવામાં કેટકેટલાં વૃક્ષોનો ભોગ લેવાય રહ્યો છે.
મિત્તલ ખેતાણી (મો. ૯૮૨૪૨૨૧૯૯૯)























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































