#Blog

ડૉક્ટર એટલે સેવા, વિજ્ઞાન અને સંસ્કારનો ત્રિવેણી સંગમ– ડૉ. વલ્લભભાઈ કથીરિયા

ડૉક્ટર્સ ડેના શુભ અવસરે હું સમગ્ર ચિકિત્સક જગતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ માત્ર એક વ્યવસાય જ નહીં, પરંતુ એક પવિત્ર ઉમદા ધર્મ સંગમ છે. એક એવો ધર્મ કે જેમાં ડૉક્ટર દરરોજ માનવતાની સેવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. ડૉક્ટર રોગોનો ઉપચાર કરતી વ્યક્તિ નથી, તે સમાજને તંદુરસ્ત અને મનોબળશાળી વ્યક્તિ બનાવતો એક માનવદૂત છે. મારા જીવનની શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજમાંથી તૈયાર થયેલા એક સર્જન તરીકે થઈ. મને ત્યારે જ સમજાયું હતું કે સારવાર માત્ર દવાઓથી નહીં, પરંતુ ભાવનાત્મક જોડાણથી, માનવીય સહાનુભૂતિથી અને ખંતપૂર્વકની સેવા ભાવનાથી થાય છે. શસ્ત્રક્રિયા કેમ્પો, ગરીબ દર્દી માટે આરોગ્ય તપાસણીઓ, ગામડામાં તબીબી સેવા આ મારા માટે માત્ર ડૉક્ટરી નહિ, પરંતુ દૈવી કર્મ હતું. મારા ડૉક્ટરી જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો મહત્ત્વનો ફાળો રહ્યો છે. સંઘે શિસ્ત, દેશભક્તિ અને નિઃસ્વાર્થ સેવાની ભાવના જગાવી. એક સ્વયંસેવક ડૉક્ટર માટે ક્લિનિક માત્ર દર્દીઓનું ટ્રીટમેન્ટ કરવાનું સ્થળ નથી; તે તો સેવા યજ્ઞનો યજ્ઞકુંડ બને છે. ભુકંપ હોય કે પૂર, રક્તદાન કેમ્પ હોય કે આરોગ્ય જાગૃતિ યાત્રા—હું સર્વત્ર સંઘના સંસ્કારને અનુસરી સેવાકાર્યમાં જોડાયેલો રહ્યો. મારું માનવું છે કે ભારતની ઔષધિ પરંપરા—પંચગવ્ય ચિકિત્સા, ગૌ આધારિત આયુર્વેદ, યોગ, પ્રાણાયામ અને નૈતિક જીવનશૈલી ને આધુનિક વિજ્ઞાન સાથે જોડીએ તો ભારત આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ તરીકે મેં ગૌ આધારિત ઔષધિઓ, પ્રાકૃતિક રોગપ્રતિકારક શક્તિ અને જીવન શૈલી ને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કોવિડ મહામારીએ સાબિત કરી દીધું કે રોગ નિવારણ માટે પ્રાચીન સંસ્કૃતિ આધારિત જીવનશૈલી જ શ્રેષ્ઠ ઉપાય છે. ડૉક્ટર માત્ર દર્દી ના શરીર ની જ સારવાર કરતો નથી; તે રાષ્ટ્ર નો આરોગ્યરક્ષક છે. ગામડાંમાં, પહાડી વિસ્તારોમાં, આરોગ્યલક્ષી જાગૃતિ અભિયાનોમાં અને બાળમૃત્યુ ઘટાડવા સુધીના તમામ ક્ષેત્રોમાં ડૉક્ટર નું યોગદાન અમૂલ્ય છે. આજે પણ ડૉક્ટર સ્વયંસેવક ની જેમ ભુકંપ, વાવાઝોડા અને રોગચાળામાં આગળ આવી સેવા કરે છે. એમને હું વંદન કરું છું. હું યુવાઓને ખાસ કહેવા માંગું છું કે ડૉક્ટર બનવું એ માત્ર ડિગ્રી મેળવી કમાણી કરવાનું સાધન માત્ર નથી. ડૉક્ટરનો સફેદ એપ્રન એ સેવા અને સંસ્કારનું પ્રતીક છે. તમારું જ્ઞાન ભૌતિકતા થી ઉપર કરુણા, સહાનુભૂતિ અને માનવતાના દ્રષ્ટિકોણ વાળું હોવું જોઈએ. આજે પણ ભારતમાં અનેક ગામો એવા છે જ્યાં એક ડૉક્ટરની નજર, એક નિઃશુલ્ક દવા અને એક સંવેદનશીલ સારવાર કોઈનું જીવન બદલાવી શકે છે. આજે “ડૉક્ટર્સ ડે”ના પવિત્ર દિવસે હું તમામ ચિકિત્સકોને નમન કરું છું, જે નિઃસ્વાર્થતાથી માનવતાની સેવા માટે કટિબદ્ધ છે. તમે આશિર્વાદરૂપ થાઓ. તમારી દવા સાથે તમારા સ્વભાવથી પણ લોકો સ્વસ્થ બને. એવી પ્રાર્થના સાથે. જય હિંદ. જય ગૌ માતા. જય આરોગ્ય ભારતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *