2 ઓકટોબર, ગાંધી જયંતી અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

- મારું જીવન એ જ મારો સંદેશ – મહાત્મા ગાંધી
- અહિંસા પરમો ધર્મ
- સચ્ચાઈ કા લેકર શસ્ત્ર,
અહિંસા કા લે અસ્ત્ર,
તુને અપના દેશ બચાયા.
વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા પરંતુ એ વર્ષે પિતા શ્રી કરમચંદ ગાંધીની બદલી થતાં એમનું કુટુંબ રાજકોટ આવ્યું એટલે એમણે રાજકોટમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને તેઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. આ સમયે એમની ઉંમર બાર વર્ષની હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવા ભાવિ સંત, સત્યનાં પૂજારી, અહિંસાનાં ઉપાસક, એક વિશ્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે. ઇ. સ. 1887માં ગાંધીજીએ મેટ્રીક પરીક્ષા પાસ કરી અને ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, પણ અહીં એમને ફાવ્યું નહીં, ત્યાર બાદ ગાંધીજી વિલાયત વકીલાત ભણવા માટે ગયા, અહીં એમને ઘણી તકલીફ પડવા લાગી, અંગ્રેજીમાં બરાબર બોલતા એમને આવડતું નહોતું, જમવાની પણ મોટી સમસ્યા હતી. તેમણે માંસાહાર નહીં કરું એવી પ્રતિજ્ઞા લીધેલ હતી તેથી ત્યાં શાકાહારી ભોજન શોધવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. છેવટે એમણે એક ફેરીંગન્દન સ્ટ્રીટમાં શાકાહારી રેસ્ટોરંટ જોયું અને ઘણા દિવસો પછી પેટ ભરીને જમવા મળ્યું. વિલાયતમાંથી ગાંધીજી બેરિસ્ટર થઈ ભારત આવ્યા. તેઓને વિલાયત મોકલવા માટે જેમણે મદદ કરી હતી એવા મોટાભાઈ અને બાને મળવા માટે આતુર હતા. પણ બા તો અવસાન પામ્યા હતા. અહીં એમને ન ફાવ્યું એટલે તેઓ પાછા દક્ષિણ આફ્રિકા ગયા અને રંગભેદની નીતિનો વિરોધ કરતા અંદોલનો કર્યા. સન 1919માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, દાંડીકુચ, અસહકારની લડત જેવા તમામ અહિંસક પ્રયત્નોથી ગાંધીજીએ ભારત દેશને આઝાદ કરાવ્યો. તેઓ કાયમ સત્ય અને અહિંસાનાં પથ પર જ ચાલ્યા હતાં. તે કહેતા કે સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું, સત્યમય થવાને સારું અહિંસા એ જ એક માર્ગ છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સૌથી છેલ્લો ન મુકે ત્યાં સુધી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવ સિધ્ધ વાત છે. ગાંધીજીનાં જન્મ દિવસને “અહિંસા દિવસ” તરીકે પણ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ દર વર્ષે ૨ ઓક્ટોબરના રોજ, મહાત્મા ગાંધીના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે.જાન્યુઆરી 2004માં, ઇરાની નોબેલ વિજેતા શિરીન ઇબાદીએ મુંબઇનાં વર્લ્ડ સોશિયલ ફોરમમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભણાવતા પેરિસનાં એક હિન્દી શિક્ષક પાસે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વિચાર ધીમે ધીમે ભારત સરકારનાં નેતાઓનું ધ્યાન આકર્ષિત કર્યું ત્યારબાદ લાંબી જેહમત બાદ 2 ઓક્ટોબરે ગાંધીજીનાં જન્મદિવસે અહિંસા દિવસ ઉજવવાનું નક્કી થયું. ભારતને આઝાદી તરફ દોરી જવામાં મદદ કરનાર મહાત્મા ગાંધી વિશ્વભરમાં નાગરિક અધિકાર અને સામાજિક પરિવર્તન માટે અહિંસક આંદોલન માટે પ્રેરણારૂપ છે. તેમના સમગ્ર જીવન દરમ્યાન, દમનકારી પરિસ્થિતિઓમાં અને મોટે ભાગે અનિર્ણનીય પડકારોનો સામનો કરીને પણ ગાંધીજી અહિંસા પ્રત્યેની તેમની માન્યતા માટે કટિબદ્ધ રહ્યા.
માણસે અન્ય માણસો પ્રત્યે તો અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ પરંતુ આ પૃથ્વી પર સમસ્ત જીવસૃષ્ટિ એકસાથે સહઅસ્તિત્વમાં રહે છે. પશુ, પક્ષીઓ પ્રત્યે પણ અહિંસાનો ભાવ રાખીને જ વર્તન કરવું જોઈએ. આપણને મનુષ્ય યોનિ મળી તેનો અર્થ એ તો નથી જ કે માણસ પૃથ્વીનો માલિક છે. જેટલો અધિકાર માણસનો પૃથ્વી પર જીવવાનો છે તેટલો જ અન્ય જીવસૃષ્ટિનો પણ છે.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































