#Blog

“ગૌશાળા સ્વાવલંબન સેમિનાર – 2025”નું ભવ્ય આયોજન 15 ઓક્ટોબરે, પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) ખાતે ડૉ. વલ્લભભાઈ કથીરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

ગૌ સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રમાં ઐતિહાસિક પહેલરૂપે વિશ્વ હિંદુ મહાસંઘ, ઉત્તર પ્રદેશના ગૌરક્ષા પ્રકોષ્ટના તત્વાવધાન હેઠળ “ઉત્તર પ્રદેશ ગૌશાળા સ્વાવલંબન સેમિનાર – 2025”નું આયોજન આગામી 15 ઓક્ટોબર 2025ના રોજ હિન્દી સાહિત્ય સંમેલન, રાજર્ષિ ટંડન ભવન, 12 સાઉથ મલાકા રોડ, પ્રયાગરાજ ખાતે કરવામાં આવી રહ્યું છે.
આ સેમિનારનો મુખ્ય હેતુ ઉત્તર પ્રદેશ તથા દેશભરની ગૌશાળાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવાના દિશામાં સચોટ વ્યૂહરચના તૈયાર કરવી, પરંપરાગત ગૌ આધારિત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવી અને ગૌસેવાને રાષ્ટ્રીય જનઆંદોલન રૂપે આગળ ધપાવવાનો છે. આજના સમયમાં ગૌશાળાઓ માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ કૃષિ, પર્યાવરણ, ગ્રામ વિકાસ અને આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ દિશામાં નીતિ નિર્માતાઓ, ગૌશાળા સંચાલકો, ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓ, નિષ્ણાતો તથા ગૌસેવામાં કાર્યરત કાર્યકર્તાઓને એક મંચ પર લાવવાનું આ સેમિનારનું ધ્યેય છે.
કાર્યક્રમમાં દેશભરના વિશિષ્ટ મહાનુભાવો, પૂજનીય સંતો, નીતિ નિર્માતાઓ તેમજ ગૌસેવાના ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપશે. આ પ્રસંગે માનનીય ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર તથા રાષ્ટ્રીય કામધેનું આયોગના પૂર્વ અધ્યક્ષ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ડૉ. કથીરિયાએ ગૌસેવા, ગ્રામ વિકાસ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે જીવનભર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શનથી આ સેમિનારને નવી દિશા મળશે.
સેમિનાર દરમિયાન ગૌશાળાઓ માટે સ્વાવલંબી નાણાકીય મોડેલ, પંચગવ્ય ઉત્પાદનોના નવનિર્માણ અને માર્કેટિંગ, સહકારી આધારિત સંચાલન, નીતિ નિર્માણમાં જનભાગીદારી, ગૌચર વિકાસ, ગૌ આધારિત કૃષિ તથા ગ્રામ રોજગાર સર્જન જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા વિગતવાર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત, ગૌસેવા સંબંધિત સાહિત્ય અને સામાયિકોનું લોકાર્પણ તથા ગૌ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત પણ કરવામાં આવશે.
આ સેમિનાર ગૌશાળા સ્વાવલંબનની દિશામાં એક નિર્ણાયક પગલું સાબિત થશે અને ભારતની પરંપરાગત ગૌ આધારિત અર્થવ્યવસ્થાને આધુનિક જરૂરિયાતો મુજબ મજબૂત બનાવવાનો માર્ગ પ્રસસ્ત કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *