જળસંચય માટે સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડો. કુમાર વિશ્વાસની જલકથામાં તન-મન અને ધનથી જોડાવા સી.આર.પાટીલનું આહવાન
રાજકોટના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે કરી બેઠક
ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જલકથા માટેની તૈયારીઓ અને આયોજનની કરી સમીક્ષા
‘6 સપ્ટેમ્બર, 2024ના દિવસે ભારતના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી બચાવ માટે કરેલા ‘જળસંચય જનભાગીદારી’ના આહવાનનો ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અદભુત પડઘો પાડ્યો છે. સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા થતા જળસંચય અભિયાનના કાર્યમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દેશભરમાં ટોચનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની કમી નથી પણ જળસંચય વ્યવસ્થાના અભાવે જમીનમાં પાણીના તળ ઊંડા ગયા છે અને પાણીની ગુણવત્તા પણ બગડી છે. પાણી માત્ર વપરાઈ રહ્યું છે, તેને બચાવવામાં આવતું નથી. વાસ્તવમાં અનેક મોટા મોટા ડેમ કરતા પણ જળસંચય માટેની નાની નાની વ્યવસ્થાઓમાં ઓછા ખર્ચે વધુ સંગ્રહ શક્તિ છે. ધનથી પાણી નહીં બચાવી શકાય, પાણી બચાવવા માટે જળસંચય અનિવાર્ય છે ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં રાજકોટમાં યોજાનાર કવિ- તત્વચિંતક ડો.કુમાર વિશ્વાસની ત્રણ દિવસની જળકથામાં તમામ નાગરિકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ’, તેમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી સી. આર પાટીલે જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ ગત રવિવારે સર્કિટ હાઉસ ખાતે રાજકોટના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે મળેલી બેઠકમાં બોલી રહ્યા હતા. તેમણે નિર્દેશ કર્યો હતો કે, પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરીને સર્વ જીવોની રક્ષા તેમજ પરિવાર સાથે દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરવો હશે તો જળસંચય કરવું પડશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જળસંચય માટે ખરા અર્થમાં વિરાટ કાર્ય કર્યું છે, જે અપેક્ષા કરતાં પણ વધારે છે. સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ જળસંચય સંદર્ભમાં ખૂબ જ જાગૃત છે, ચિંતિત છે અને કાર્યરત છે ત્યારે જનભાગીદારીથી થતા જળસંચયના કાર્યો જ જમીનમાં ઊંડા ગયેલા પાણીના તળને સપાટી પર લાવી શકાશે.
તેમણે બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓને આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ દરરોજ રાત્રે 8 થી 12 દરમિયાન યોજાનાર વિખ્યાત કથાકાર ડો.કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’માં તન, મન અને ધનથી જોડાવા માટે ઉદ્યોગપતિઓને આગ્રહપૂર્વક અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલે રાજકોટના તેમના રોકાણ દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત કુમાર વિશ્વાસની જલકથાની તૈયારીઓ અને આયોજનની પણ સમીક્ષા કરી હતી અને આ સંદર્ભમાં જ રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક પણ કરી હતી.
કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલે નિર્દેશ કર્યો હતો કે, જળસંચય માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સાંસદો અને ધારાસભ્યો પણ પોતાની ગ્રાન્ટમાંથી જળસંચય માટે પૈસા ફાળવી રહ્યા છે છતાં હજુ વધુ જાગૃતિ કેળવવાની આવશ્યકતા છે. આ જાગૃતિ માટે ગીરગંગા દ્વારા ડો. કુમાર વિશ્વાસની જલકથા યોજાઈ રહી છે ત્યારે તેમણે ઉદ્યોગપતિઓને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિમાં જળસંચયનું કામ ઉપાડી લેવા તથા સહયોગી બનવા માટે આગ્રહ કર્યો હતો.
આ પૂર્વે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ વરસાદનું એક ટીપું પાણી પણ દરિયામાં ન જાય તે માટે જનજાગૃતિ કેળવવા અને ગીરગંગાના માધ્યમથી 1,11,111 જળસંચયના સ્ટ્રકચરો ઊભા કરવા માટેના સંકલ્પ તરફ પ્રતિબંધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્રી દિલીપભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડતા વરસાદનું 80 ટકા જેટલું પાણી જળસંચયના અભાવે દરિયામાં વહી જાય છે અને પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રએ નર્મદા પર નિર્ભર રહેવું પડે છે.એક સમયે 50 ફુટ ઊંડે હતા તે પાણીના તળ હવે એકથી બે હજાર ફૂટ ઊંડે જતા રહ્યા છે ત્યારે દરિયામાં વહી જતા આ પાણીનો સંચય કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી સ્વનિર્ભર બનવું પડશે અને આ સ્વનિર્ભરતા મેળવવાના ભાગરૂપે તેમજ છેવાડાનો માણસ પણ જળસંચયનું મહત્વ સમજતો થાય અને તેમની જળસંચય માટેની જનભાગીદારી વધે તે અર્થે ડો. કુમાર વિશ્વાસની જલકથા યોજાઈ રહી છે ત્યારે તમામ નાગરિકો તેમાં આમંત્રિત છે.
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી ઉદ્યોગપતિઓની બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાથે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ગીરગંગાના માર્ગદર્શક મંડળના પ્રમુખ ડો. ભરતભાઈ બોધરા, ગુજરાતના મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, રાજકોટના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા અને શ્રી ઉદયભાઇ કાનગડ, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ સુજીતભાઈ ઉદાણી, દિલીપભાઇ લાડાણી, કમલનયનભાઈ સોજીત્રા, પરસોતમભાઈ કમાણી, અવધેશભાઈ કાનગડ, હરિસિંહ સુચરીયા, હરીશભાઈ લાખાણી, ભરતભાઈ ટીલવા જેન્તીભાઈ સરધારા લાખાભાઈ સખીયા નિખીલભાઈ પટેલ પ્રણવભાઈ ભાલારા, ચંદ્રકાંતભાઈ ભાલારા, ઘનશ્યામભાઈ હેરભા, કિરીટભાઈ આદ્રોજા, રાજુભાઈ ગોસ્વામી, અશોકભાઈ લશ્કરી, વસંતભાઈ લીંબાસીયા, જગદીશભાઈ કોટડીયા,ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ડો.દેવાંગીબેન મૈયડ, કૌશિકભાઈ સરધારા વગેરે જહેમત ઊઠાવી રહયા છે.















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































