#Blog

જલકુંભના પૂજન સાથે ગીરગંગાની જલકળશ યાત્રાનું ભવ્યાતિભવ્ય પ્રસ્થાન

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની ૧૧૧ પવિત્ર નદીઓના જલ સાથે ‘જલકળશ યાત્રા’ આજથી રાજકોટમાં ફરશે

જનજાગૃતિથી સૌરાષ્ટ્રને નંદનવન બનાવવાનો સંકલ્પ: ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે અભૂતપૂર્વ જળ અભિયાનનો આરંભ

સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળસંચય દ્વારા ફરીથી હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે. આ વિશાળ લક્ષ્યને ગતિ આપવા તરફના એક ઐતિહાસિક પગલા રૂપે ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની ૧૧૧ પવિત્ર નદીઓનું જલ એકત્ર કરીને તેની ‘જલ કળશયાત્રા’નું આયોજન કરવામાં આવેલ છે. આજે સોમવારે બપોરે ચાર વાગ્યે રાજકોટમાં ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી ખાતેથી ગીરગંગા બેન્ડ પાર્ટી સાથે ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે આ યાત્રાનો શુભારંભ થયો હતો. પીજીવીસીએલના એમડી (IAS) શ્રી કેતનભાઇ જોષીએ હવેલીમાં પવિત્ર જલકળશનું પૂજન કરીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ જલયાત્રા હવેલીથી જીવરાજ પાર્ક સ્થિત અંબાજી મંદિરે પહોંચી હતી, જ્યાંથી આજથી આ યાત્રા રાજકોટભરમાં જળકળશ પૂજન માટે ફરશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના દરરોજ રાત્રે 7 થી 12 દરમિયાન યોજાનાર વિખ્યાત તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની યોજાનારી ‘જલકથા’ પૂર્વે આ એક જનજાગૃતિ અભિયાન બની રહેશે.
આ પ્રસંગે ઉમાધામ મહિલા સમિતિના સૌરાષ્ટ્ર પ્રમુખ શ્રી સરોજબેન મારડિયાએ, લાલ અને મરૂન સાડીના ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયેલી બહેનોને સંબોધતા કહ્યું હતું કે, જળની શક્તિ અને સંસ્કારનું સિંચન માતા જ કરે છે. આ યાત્રામાં મહિલાઓની મોટી સંખ્યા સૂચવે છે કે, જળ સંરક્ષણ હવે લોકઆંદોલન બની ગયું છે. આપણે જળનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને અને જળસંચયના કાર્યોમાં જોડાઈને આપણા પરિવાર અને સમાજને જળસમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કરવો તે સમયની માંગ છે.
આ જળકળશ યાત્રામાં ખોડલધામના શ્રી સુમિતાબેન કાપડિયા અને શ્રી વીણાબેન કોરાટ, રઘુવંશી સમાજના શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, જ્યોતિબેન ટીલવા ઉમા સારથી ફાઉન્ડેશન પ્રમુખ, ક્ષત્રિય સમાજના શ્રી આશાબા, કિરણબેન હરશોડા, પિનાબેન કોટક, શ્રી હેતલબેન સખીયા, પુજાબેન પટેલ, ડો.દેવાંગીબેન મૈયડ, સહિત શહેરની અનેકવિધ સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણી બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જળકળશ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.
ગીતાંજલિ કોલેજના સંચાલક અને ગીરગંગા પરિવારના અગ્રેસર શ્રી શૈલેષભાઈ જાનીએ નિર્દેશ કર્યો હતો કે, ગીરગંગાના ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રકચરના સંકલ્પમાં સૌરાષ્ટ્રને પાણીદાર અને હરિયાળુ બનાવવાની તાકાત છે. જળસંચય માત્ર ખેતી કે ઉદ્યોગ માટે નહીં, પણ આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે અનિવાર્ય છે.
આ પ્રસંગે શ્રી કાંતિભાઈ ભૂત દ્વારા પાણીના મહત્વ અંગે એક સચોટ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. જળકળશ યાત્રામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા ઉપરાંત રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, ઉદ્યોગપતિ શ્રી પરસોત્તમભાઈ કમાણી, દેશની 111 નદીઓના પાણી એકત્ર કરવામાં સિંહ ફાળો આપનાર શ્રી ભાવેશભાઈ સખીયા, શ્રી ભરતભાઈ ટીલવા, શ્રી ભરતભાઈ જોશી, શ્રી જેન્તીભાઈ સરધારા, શ્રી જમનભાઈ ડેકોરા, શ્રી પ્રતાપભાઈ પટેલ, શ્રી વિરાભાઈ હુંબલ, શ્રી કિશોરભાઈ કાથરોટિયા, શ્રી મનુભાઈ સૈજા, શ્રી અશોકભાઈ મોલિયા, શ્રી રમેશભાઈ જેતાણી, ભરતભાઈ ભુવા, ભરતભાઈ કાકડિયા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *