સમાજના ભામાશા અને પોરબંદરના પૂર્વ સાંસદ

રમેશભાઈ ધડુકની આગેવાનીમાં ગોંડલના અગ્રણીઓએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી મુલાકાત
૧,૧૧,૧૧૧ જળસંચયના સ્ટ્રક્ચરો બનાવવાની સંસ્થાની નેમની સરાહના
તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગની ખાતરી ઉચ્ચારી
સમાજના ભામાશા અને પોરબંદર લોકસભા વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની આગેવાની હેઠળના ગોંડલના વિવિધ સમાજના અગ્રણીઓના એક પ્રતિનિધિ મંડળે ગઈકાલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રેસકોર્સ સ્થિત ડો કુમાર વિશ્વાસની જલકથા માટેના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે ગીરગંગાની જળસંચયની પ્રવૃત્તિની પુષ્કળ સરાહના કરી, જળસંચય અને ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’ માટે તન, મન અને ધનથી તમામ પ્રકારના સહયોગ માટે તત્પરતા બતાવી હતી.
ઉલ્લેખનીય છે કે, અનેકવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ અને કાર્યક્રમો સાથે જોડાયેલા પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારકાધીશના પરમ ઉપાસક છે. દ્વારકામાં દ્વારકાધીશની ધ્વજા ચડાવવા માટે તેમણે 99 વર્ષનું બુકિંગ કરાવેલું છે. તેઓ સંતોના અંત્યંત લાડલા અને કૃપાપાત્ર છે. શ્રી રમેશભાઈ ધડુક સાથેના આ પ્રતિનિધિ મંડળમાં અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ધનસુખભાઈ નંદાણીયા, ગુજરાત પ્રદેશ પ્રભારી પતંજલિ ગ્રુપના શ્રી લક્ષ્મણભાઈ પટેલ, લાયન્સ ક્લબ ગોંડલના પ્રમુખ શ્રી ગિરધરભાઈ રૈયાણી, ગોંડલ શહેર યુવા ભાજપના પ્રમુખ શ્રી જીગરભાઇ સાટોડિયા, સામાજિક આગેવાન શ્રી અશોકભાઈ શેખડા, શ્રી બટુકભાઈ પાંભર, શ્રી ધીરુભાઈ વેકરિયા, શ્રી ફેનિકુમાર વેકરિયા, શ્રી બીપીનભાઈ નિમાવત વગેરે જોડાયા હતા.
આ પ્રસંગે બોલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગીરગંગા માત્ર જળસંચયના માળખાં તૈયાર કરવા માટે જ પ્રવૃત્ત નથી પરંતુ સૌરાષ્ટ્રના જળ સ્તરને ઊંચા લાવી સમગ્ર સૌરાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા તરફનું આ એક મહાઅભિયાન છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણી શ્રી જે. કે.સરધારાએ આ પ્રસંગે નિર્દેશ કર્યો હતો, સૌરાષ્ટ્રની ધરતીને ફરી લીલીછમ બનાવવા માટે આ ટ્રસ્ટે ૧,૧૧,૧૧૧ જળસંચયના સ્ટ્રક્ચરો બનાવવાનો સંકલ્પ લીધો છે. પાણીના સ્રોતોને પુનર્જીવિત કરવાના આ યજ્ઞમાં સમાજના સહયોગથી જ સફળતા શક્ય છે.
પ્રત્યુતર આપતા ખૂબ જ ધર્મપ્રેમી, ધનનો યોગ્ય માર્ગે સદુપયોગ કરવા માટે વિખ્યાત અને વર્ષોથી ગોંડલમાં ગરબીનું અદભુત સંચાલન કરતા પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકે સૌરાષ્ટ્રની કાયાપલટ માટે ૧,૧૧,૧૧૧ જળસંચયના સ્ટ્રક્ચરો કાર્યવાન્વિત કરવા માટે સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને તમામ પ્રકારના સહયોગ માટે ખાતરી આપી હતી. તેમણે સંસ્થાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































