#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત

ડૉ. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે રાજકીય-સામાજિક અગ્રણીઓ

બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, શહેર ભાજપ અને બોલબાલા ટ્રસ્ટના અગ્રણીઓ ‘ગીરગંગા’ના જળસંચય અભિયાનથી અભિભૂત

ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જળસંચય માટે ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો તૈયાર કરીને રાજ્યને પુનઃ હરિયાળું નંદનવન બનાવવાના એક માત્ર  ઉદ્દેશ સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ રેસકોર્સ સ્થિત કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટરમાં યોજાનાર કવિ ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે ગઈકાલે રાજકોટના સમગ્ર બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ અને બોલબાલા ટ્રસ્ટના અગ્રણીઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રેસકોર્સ સ્થિત મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈને ગીરગંગાની જળસંચય પ્રવૃત્તિને બિરદાવી આ પ્રવૃતિથી અભિભૂત થયા હતા.

આ પ્રતિનિધિ મંડળની મુલાકાત સમયે બ્રહ્મ સમાજના 70થી વધુ તેમજ ક્ષત્રિય સમાજના 80થી વધુ અગ્રણીઓ તેમજ શહેર ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય અને તેમની ટીમના 400થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રણીઓએ ગીરગંગાની જળસંચયની પરિણામલક્ષી પ્રવૃત્તિ અંગે સવિસ્તાર માહિતી મેળવીને આગામી ડૉ. કુમાર વિશ્વાસની જલકથા આયોજનને ન ભૂતો ન ભવિષ્યતિ આયોજન ગણાવી તેમાં  તન, મન અને ધનથી સહયોગ માટે પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

આ ગરિમાપૂર્ણ મુલાકાત દરમ્યાન બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય તેમજ સામાજિક આગેવાન શ્રી કિશોરભાઈ રાઠોડે નિર્દેશ કર્યો હતો કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટે સૌરાષ્ટ્રના જળસંકટને દૂર કરવા માટે નક્કર પહેલ કરી છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલો વોટર ગ્રાસરૂટ પ્લાન જળસંચયના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ છે. જળસંચય એ સમયની માંગ છે અને ગીરગંગા ટ્રસ્ટનું કાર્ય પાણીની અછત સામે લડવા માટે એક ઉત્કૃષ્ઠ અને સર્વગ્રાહી મોડેલ પૂરું પાડે છે. ડૉ. કુમાર વિશ્વાસની આ પ્રથમ જલકથાના માધ્યમથી જળસંચયનો સંદેશ ન માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર બલ્કે દેશના અનેક રાજ્યો સુધી પહોંચશે.

આ તમામ પ્રતિનિધિ મંડળ સાથે વિસ્તારથી વિચાર – વિમર્શ કરતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચયના મહાયજ્ઞ દ્વારા જળ સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણનું કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે. ગીરગંગા દ્વારા નિર્માણ થનાર ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો રાજ્યના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવા અને આ દિશામાં વ્યાપક જાગૃતિ લાવી ખાસ કરીને ખેતીને સમૃદ્ધ બનાવવામાં અહમ ભૂમિકા ભજવશે.  પ્રકૃતિની જાળવણી કરી ભાવિ પેઢી માટે પાણી બચાવવાની સૌની ફરજ છે, જેના માટે સમાજનો સહયોગ ખૂબ જ જરૂરી છે. વરસાદના એક એક ટીપાને ધરતીમાં ઉતારીને આપણે જળ સંકટને દૂર કરી શકીએ છીએ. આ શુભ કાર્યમાં તમામ લોકોના સાથ સહકારથી સમાજ અને રાજ્ય સાથે જ દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે.  ​

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનોજભાઈ કલ્યાણીએ કર્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *