ડો. વલ્લભભાઈ કથીરિયા અને ડો. અનામિક શાહની ડો. અનિલ ગુપ્તા સાથે ગૌ આધારિત કૃષિ અને ભૂમિ સુપોષણ વિષય પર ગહન ચર્ચા.

ગૌ આધારિત કૃષિ અને ભૂમિ સુપોષણ માટે રાષ્ટ્રીય ઝુંબેશની તાતી જરૂરિયાત : ડો. અનિલ ગુપ્તા
રાજકોટ ખાતે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી,રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને GCCIના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયા અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના પ્રાયોજક અને IIM અમદાવાદના પૂર્વ ડિરેક્ટર તથા સૃષ્ટિ સંસ્થાના સ્થાપક ડો. અનિલ ગુપ્તા અને રાજકોટના કેમેસ્ટ્રી વિભાગના પૂર્વ અધ્યક્ષ તથા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ડો. અનામિક શાહ સાથે ગૌ આધારિત કૃષિ અને ભૂમિ સુપોષણના મહત્વ પર વિશેષ ચર્ચા બેઠક યોજાઇ હતી. આ બેઠક સ્નેહપૂર્ણ અને ઉર્જાસભર વાતાવરણમાં ગૌ આધારિત કૃષિ તેમજ ભૂમિ સુપોષણ ક્ષેત્રે વ્યાપક કાર્ય કરવાની આવશ્યકતા પર કેન્દ્રિત રહી. ડો. કથીરિયા એ જણાવ્યુ હતું કે મુલાકાત દરમિયાન ડો. અનિલ ગુપ્તાએ ભારતના ગ્રામ્ય વિસ્તારના હિતમાં સ્ટાર્ટઅપ અને સંશોધન આધારિત યોજનાઓ અમલમાં લાવવા વિશે વાત કરી. તેમણે ગૌ આધારિત ખેતી, જમીનના સ્વાસ્થ્ય સુધારવા અને સતત કૃષિ વિકાસ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની આવશ્યકતા પર ભાર મૂકયો. IIM અમદાવાદ અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનમાં તેમના વર્ષોનું અનુભવી માર્ગદર્શન આ અભિયાન માટે લાભદાયી સાબિત થશે. ડો. અનામિક શાહે પણ તેમના વૈજ્ઞાનિક સંશોધનો અને કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલ રીસર્ચમાં જમીન અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. ભારત માટે ગૌ આધારિત ખેતી અને ગોબર અને ગૌમુત્ર થકી જમીનની ઊર્વરકતા જાળવી રાખવી અગત્યની છે. કૃષિમાં લોકભોગ્ય પદ્ધતિઓ દ્વારા જમીનનું આરોગ્ય સુધારવા માટે સામાજિક સંગઠનો, વૈજ્ઞાનિકો અને સંશોધકો અને સરકારે સાથે મળીને એક રાષ્ટ્રીય ઝુંબેશ ચલાવવાની જરૂરીયાત પર ભાર મૂકયો હતો. આ બેઠકમાં કાન્તાબેન કથીરિયા અને દિનેશભાઈ પટોળીયાએ પણ ભાગ લીધો હતો. સૌએ મળીને કૃષિ, પર્યાવરણ અને ગૌ ઉદ્યોગ આધારિત સંશોધન માટે વ્યાપક અભિયાન ચલાવવાનું નક્કી કર્યું. આ અભિયાન દેશના જમીન આરોગ્ય, સાશ્વત ખેતી અને જન આરોગ્ય ની સુખાકારી માટે નવી દિશા આપશે.