શું કહે છે વેદ, પુરાણો અને ગ્રંથોમાં ગૌમાતા અને જીવદયા વિષે અબોલ જીવો બચશે તો જ આપણે બચીશું

વેદોમાં પૃથ્વી પર રહેતા તમામ જીવોની જીવનની એકતા અને પરસ્પર સંલગ્નતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ, પ્રાણીઓ અને માનવીઓ વચ્ચે સન્માનનો સંબંધ હોવો જોઈએ. સર્વે જીવોનું રક્ષણ કરવું એ સમાજના નૈતિક દાયિત્વ તરીકે વ્યક્ત થયું છે. પુરાણોમાં પણ ગૌમાતા અને જીવદયા વિશે ઘણા વર્ણન આપેલ છે. ગાયને માનવ જીવન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવો જાણીએ ગૌમાતા અને જીવદયા વિશે વેદ, પુરાણ અને ગ્રંથોમાં ઉલેખ્ખ કરાયેલી વાતો :
ઋગ્વેદમાં ગાયને સંપત્તિ અને સુખનું પ્રતિક માનવામાં આવ્યું છે. ગાયનું રક્ષણ અને સન્માન માનવ સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. યજુર્વેદમાં જીવદયાને એક મહાન ધર્મ માનવામાં આવે છે અને તેમાં દરેક જીવનું રક્ષણ કરવું આપણા ધર્મના મૂળભૂત ભાગ તરીકે દર્શાવાયું છે. ગાયત્રી મંત્રની જેમ ગાયને પણ મા ગાયત્રીના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ગૌમાંતામાં દૈવી શક્તિઓનો વાસ છે તેવું માનવામાં આવે છે. ભગવત પુરાણ અને સ્કંદ પુરાણમાં ગાયની રક્ષા કરવી એ મોટા ધર્મિક કાર્યોમાં ગણવામાં આવે છે. ગાયના રક્ષણને સંસ્કૃતિના વિકાસ અને સુખનું સ્ત્રોત ગણાવાયું છે. અનેક પુરાણોમાં ગૌદાન (ગાયનું દાન) મહાન પુણ્યકારક માનવામાં આવે છે. પદ્મ પુરાણમાં ગાયનું દાન કરવાથી લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. મહાભારત અને શિવપુરાણ જેવા ગ્રંથોમાં અહિંસા વિષે જણાવવામાં આવ્યું છે કે બધા જીવમાત્ર પ્રત્યે દયા રાખવી અને તેમને નુકસાન ન કરવું એ મુખ્ય માનવીય ગુણો છે. “ગરુડ પુરાણ” અને “મત્સ્ય પુરાણ”માં જીવદયાને મહાન ધર્મ માનવામાં આવે છે. તેમાં દરેક પ્રાણી પ્રત્યે કરુણા અને દયા રાખવી, અને કોઈ પણ પ્રાણીને હિંસા ન કરવી એ માનવનું પરમ કર્તવ્ય ગણવામાં આવ્યું છે. “મહાભારત” અને “શ્રીમદ ભગવદ ગીતામાં” પણ ગાયને પૌરાણિક આદર્શ તરીકે દર્શાવવામાં આવ્યું છે, જેમાં ગાયની પોષણ અને રક્ષણાત્મક ભૂમિકા વર્ણવવામાં આવી છે. જીવમાત્રની સેવા કરવી અને ગાયને પોષણ આપવું એ માનવીના આદર્શોની પ્રતિતિ છે.