#Blog

મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–2025” નાં 16–કંટ્રોલ રૂમ કાર્યરત.14 મી જાન્યુઆરી એ 463 કેસ, 15 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા સુધીમાં 107 કેસ આવ્યા.એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ ખડે પગે

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાયો. ઘણા શહેરોમાં હજુ પણ આ તહેવાર ઉજવાશે ત્યારે આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન’ શરૂ થઇ ચુક્યું છે.
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા આયોજિત વિશ્વનાં સૌથી મોટાં ‘પક્ષી બચાઓ અભિયાન-2025’ માં અત્યાર સુધી પતંગનાં દોરાઓથી ઘવાયેલા ઘણા પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા છે. એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ સતત ખડે પગે રહીને પક્ષીઓની સારવાર કરી રહ્યું છે જેથી કરીને તેમનું જીવન બચાવી શકાય. 14 મી જાન્યુઆરી આખા દિવસ દરમિયાન પતંગનાં દોરાઓથી ઘવાયેલા, ઈજા પામેલા 463 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં 453 કબૂતર, 4 સમડી, 2 હોલા, 2 રણ કાગડા, 1 પોપટ અને 1 ચકલીનો સમાવેશ થાય છે અને 15 જાન્યુઆરી એ સવારે 11 વાગ્યા સુધીમાં 107 પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા છે. 15 જાન્યુઆરીએ પણ રાત્રે 9 વાગ્યા સુધી એનીમલ હેલ્પલાઈનનો કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે ત્યારબાદ ઘવાયેલા પશુ, પક્ષીઓ માટેની આ સેવા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા 365 દિવસ, 24 કલાક શરુ રાખવામાં આવશે.
રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ‘કરુણા અભિયાન’ શરૂ કરાયું છે. મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ‘કરુણા અભિયાન ૨૦૨5 અંતર્ગત કંટ્રોલ રૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી ક્લેક્ટર પ્રભવ જોષીનાં માર્ગદર્શનમાં રાજકોટનાં ત્રિકોણબાગ ચોક, ખાતે રાજયનો સૌથી મોટો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કંટ્રોલરૂમ આવતીકાલે સાંજ સુધી કાર્યરત રહેશે .
રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જીવદયા પ્રેમી ચંદ્રકાંતભાઈ શેઠ , વિરાભાઈ હુંબલ , નરોત્તમભાઇ પોપટ પરિવાર, હરિશભાઈ [લંડન] તથા પરિવાર સહિતના શ્રેષ્ઠીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તમામ મહાનુભવોએ ડોકટરોની ટીમને ખૂબ જ પ્રોત્સાહન આપી પક્ષી સારવારનું જાત નિરીક્ષણ કરી જીવદયાના આ કાર્યને બિરદાવ્યું હતું.
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અર્હમ યુવા સેવા ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
‘કરૂણા અભિયાન’માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના ડો. ટાંક સાહેબ, ડો. ભટ્ટ સાહેબ, ડો. પરીખ સાહેબ, ડો. ગર્ગ સાહેબ, ડૉ. ડી. એન બોરખત્રિયાના નેતૃત્વમા નિષ્ણાંત તબીબો, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવિ માલવીયા, ડો. અરૂણ ઘીયાડ, ડો. અરવિંદ ગડારા, ડો. હિરેન વીસાણી, ડો. રાજીવ સીંહા તથા જુનાગઢના ડૉ. શ્રુતિ ઈમાનદાર, ડૉ. મીત પંડયા, ડૉ. ઉર્વશી રામોલિયા, ડૉ. નિર્ભય, ડૉ. ઇશાન ધર્મપાલ, ડૉ. ગિરઈનાયક, ડૉ. મૌનીક, ડૉ. ઋત્વિકા પટેલ, ડૉ. સાયમનતાકા પંડયા, ડૉ. રાધા, ડૉ. તિષિતન, ડૉ. દિશા ધામલિયા, ડૉ. યશવા, ડૉ. ધનંજયસિંહ ચૌહાણ, ડૉ. વિશ્વાસ પટેલ, ડૉ. જગદીશ માલી, ડૉ. હેમેન્દ્ર પરમાર, ડૉ. હર્ષ પટેલ, ડૉ. રવિ પટેલ, ડૉ. રવિ ખાંધર, ડૉ. નિર્મિત રાણા, ડૉ. નીતિન શર્મા, ડૉ. સાગર કાચા સાથી ટીમનાં 40 તબીબો પોતાની સેવા આપી રહયાં છે.
મકરસંક્રાતિ દરમિયાન લોકો અજાણતાં જ ચાઇનીઝ દોરા/કાચનાં પાકા માંજા, પાયેલાં દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પક્ષીઓનાં જીવનનો અંત લાવવામાં નીમીત બને છે. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર પર, ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર, છત પર, ટી.વી. એન્ટેના ટાવર વિ. પર અનેક જગ્યાએ લટકતાં દોરા તેમજ કપાયેલા ફાટેલાં પતંગો જોવા મળે છે જે અબોલ વિહરતાં પક્ષીઓ માટે ફાંસીનાં ગાળીયા સમુ કાર્ય કરે છે. આ દોરા તાત્કાલીક હટાવી લેવા સંવેદનાસભર અપીલ અને અબોલ જીવોનાં પ્રાણદાનમાં ઉપયોગી થવા ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર સમિતિ સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર મિતલ ખેતાણી, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, સહિતનાઓએ વિનંતી કરી છે.
આવા ગાળીયા હટાવીને 1 (એક) કિલો પતંગની દોરીના ગુચ્છા જે મિત્રો એનીમલ હેલ્પલાઈન–કરૂણા ફાઉન્ડેશનની ઓફિસે જમા કરાવશે તેને માનદ પુરસ્કાર રૂપે 151 રૂપીયા અપાશે. પતંગની દોરીના ગુચ્છા તા.20 જાન્યુઆરીને સોમવારે સવારે 10 થી સાંજે 6 દરમ્યાન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, ‘જનપથ’, તપોવન સોસાયટી–૨ નો ખૂણો, અક્ષર માર્ગ, સરાઝા બેકરી પાસે, રાજકોટ ખાતે જમા કરાવવાના રહેશે.
‘કરૂણા અભિયાન ૨૦૨5’ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો: ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન (મો-૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *