આચાર્ય લોકેશજીએ વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે
ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ – આચાર્ય લોકેશજી
અમેરિકાના તથા કેનેડાના શાંતિ અને સદભાવના યાત્રાને પૂર્ણ કરીને ભારત પરત ફર્યા પછી અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક, શાંતિદૂત આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામ ખાતે ભવ્ય સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું. 20 દિવસીય શાંતિ-સદભાવના યાત્રા દરમ્યાન આચાર્ય લોકેશજીએ અમેરિકા ના શિકાગો, ન્યૂયોર્ક, ન્યૂજરસી, સિયાટલ, સાનફ્રાનસિસ્કો તેમજ કેનેડાની રાજધાની ઓટાવા અને વેંકૂવર જેવા શહેરોમાં ધર્મ, અધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિના સંદેશને અનેક વૈશ્વિક મંચ પરથી પ્રસારિત કર્યો. આ યાત્રા દરમિયાન આચાર્ય લોકેશજીને વિશ્વભરમાં અહિંસા, શાંતિ, સદભાવના અને માનવીય મૂલ્યોના પ્રચાર માટે અનેક વૈશ્વિક મંચોએ સન્માનિત કર્યા. ભારત પાછા ફર્યા પછી આપેલા પ્રતિસાદમાં આચાર્ય લોકેશજીએ કહ્યું કે, “આ સન્માન મારું નહીં પણ ધર્મ, અધ્યાત્મ, ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરના સિદ્ધાંતોનું સન્માન છે.” આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે “વસુધૈવ કુટુંબકમ્” અને “સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ” જેવા વિચારોથી ભીની ભારતીય સંસ્કૃતિ દુનિયાની અનેક સંસ્કૃતિઓમાં સૌથી શ્રેષ્ઠ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે સૌએ મળીને ભારતની બહોળી સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસ કરવો જોઈએ. આ અવસરે અહિંસા વિશ્વભારતીના વરિષ્ઠ ઉપપ્રમુખ રમેશ તિવારી, મહાવીર ઈન્ટરનેશનલના અધ્યક્ષ હિતેશ જૈન, આરોગ્ય પીઠના સંસ્થાપક આચાર્ય રામગોપાલ દીક્ષિત, પંજાબી સમાજના આગેવાન તનુજ સેઠી, ગુજરાત યુવા શાખાના અભય જૈન, અહિંસા વિશ્વભારતી મહિલા વિંગમાંથી સુશ્રી સંજુ, શ્રીમતી રિતુ જૈન, યોગાચાર્ય શ્રી કરણ, શ્રી વિનીત કુમાર, શ્રી દયારામ સહિત અનેક વક્તાઓએ આચાર્ય લોકેશજીને વિવિધ સંસ્થાઓ તરફથી શાલ ઓઢાડી સન્માન આપતા જણાવ્યું હતું કે, “આચાર્ય લોકેશજીએ પોતાના માનવતાવાદી કાર્યો દ્વારા વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે.” કાર્યક્રમનું સંચાલન સુશ્રી તારાકેશ્વરી મિશ્રાએ કર્યું.