ભરતભાઈ ગાજીપરા દ્વારા પિતા – કાકાની સ્મૃતિમાંવતનને હરિયાળું કરવામાં સહયોગ અપાયો.

રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા સર્વોદય એજ્યુકેશન નેટવર્કનાં સંચાલક, પર્યાવરણપ્રેમી ભરતભાઈ ગાજીપરાએ પોતાના બે કાકાની સ્મૃતિમાં વતન મેંદરડા તાલુકાનાં ગઢાડી (ગીર) ગામે સદભાવના વૃદ્ધાશ્રમનાં સહયોગથી એકાવન – એકાવન વૃક્ષો વાવીને સદગતોને પર્યાવરણીય શ્રદ્ધાંજલિ અર્પીને સમાજને હરિયાળો સંદેશ આપ્યો છે. ભરતભાઈ ગાજીપરા શિક્ષણ જગતમાં મોટી નામના ધરાવે છે અને પર્યાવરણપ્રેમી તરીકે પ્રસિદ્ધ છે. તાજેતરમાં જ તેમના બે કાકા જીવાભાઈ ભાદાભાઈ ગાજીપરા અને ભીમજીભાઈ ભાદાભાઈ ગાજીપરાનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ રૂપે પોતાના ગામ ગઢાડીમાં એકાવન – એકાવન વૃક્ષો વાવીને કાકાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી છે. સામાન્યરીતે હિંદુ પરંપરામાં કોઈનાં નિધન પછી તેમને પાણી પાઈને તૃપ્તિ આપવાની શ્રદ્ધા વ્યાપે છે ત્યારે ભરતભાઈએ એકાવન – એકાવન વૃક્ષોને જલાભિષેક કરી ખરા અર્થમાં સદગતોને આજીવન શ્રદ્ધાંજલિ અર્પી દીધી છે. ઉલેખ્ખનીય છે કે તેમના પિતાજી મોહનભાઈ ભાદાભાઈ ગાજીપરાનું દાયકા પહેલા અવસાન થયું ત્યારે તેમની સ્મૃતિમાં પણ પોતાના વતનમાં ભરતભાઈ ગાજીપરાએ બોરસલ્લીનાં એકસો એકાવન વૃક્ષો વાવ્યા હતા. આજે તે મોટા થઇ ગયા છે. તેમના માતુશ્રીનું જીવતા જગતિયું કરી 200 વૃક્ષોનું શાંતિવન તૈયાર કરાવ્યું. તેમનું ગામ આજે ભરતભાઈ ગાજીપરાના પ્રયાસોથી હરિયાળું બની ગયું છે. અત્રે નોંધનીય છે કે ભરતભાઈએ પોતાના ગામમાં 18 ચેકડેમ પણ સ્પોન્સર કર્યા છે.