#Blog

શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે લઈશું પશુ, પક્ષીઓની કાળજી

શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે અને દિવસે દિવસે તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શિયાળાની ઠંડીમાં પશુ અને પક્ષીઓનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશુઓ અને પક્ષીઓના શરીર પર તાપ માટે સાહજિક તંત્ર હોય છે એ છતાં, તીવ્ર ઠંડીમાં તેમના શરીરનું તાપમાન ઘટી શકે છે, જે તેમના માટે હાઈપોથર્મિયા જેવી જિંદગી માટે જોખમકારી પરિસ્થિતિઓનું નિર્માણ થઇ શકે છે. ઠંડીના દિવસોમાં પશુ, પક્ષીઓને તેમના શરીરનું તાપમાન જાળવવા માટે ઉર્જાની જરૂર પડે છે. તેમના શરીરમાં ઉર્જા અને પોષણની કમી તેમને નબળા પાડી શકે છે, જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે અને તેમને બીમારીઓ થવાની સંભાવના વધે છે. ઠંડીમાં પાણી ઠંડીને કારણે જામી શકે છે અથવા અતિ ઠંડુ હોવાના કારણે પશુઓ અને પક્ષીઓને પૂરતું પાણી મળતું નથી. પાણીની અછત તેમને ડિહાઈડ્રેશન તરફ ધકેલી શકે છે. અતિ ઠંડીના કારણે પશુ, પક્ષીઓ શ્વાસ નળી સંબંધિત રોગો, સોજા જેવી તકલીફોમાં સપડાઈ શકે છે.

આ તમામ કારણોસર ઠંડીના સમયમાં પશુ, પક્ષીઓની વિશેષ કાળજી લેવી જોઈએ. તેમના માટે આવાસની વ્યવસ્થા કરવી જોઈએ. તેમના માટે છાપરા અથવા શેડનું ઘર બનાવી શકાય છે જેથી તે ઠંડી હવાથી બચી શકે. પશુઓના રહેવા માટે ગાદલા, ભૂસુ અથવા ઘાસની વ્યવસ્થા કરવી જોઈએ જેથી તેઓ ગરમ રહી શકે. જો શક્ય હોય તો, ગરમી માટે કોઈ ઉષ્મા સ્ત્રોત, જેમ કે હીટર અથવા દીવા, વાપરવા જોઈએ પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પશુ, પક્ષીઓ હીટર, દીવા કે અન્ય કોઈ આગવાળા અથવા ઇલેક્ટ્રોનિક સાધનોના સીધા સંપર્કમાં ન આવે. શિયાળામાં પશુઓને ઉર્જા વધુ જરૂરી હોય છે, તેથી પૌષ્ટિક ખોરાક અને હુંફાળા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ઠંડીમાં પશુ, પક્ષીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટતી જતી હોઈ છે, એટલે સમયાંતરે તેમની તબીબી ચકાસણી કરાવતી રહેવી જોઈએ. 

મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *