“ગૌ આલિંગન દિવસ / કાઉ હગ ડે” એ ગૌમાતાનું બહુમુલ્ય મહત્વ સમજવાનો અને ગૌશાળાઓને પ્રોત્સાહન આપવાનો ઉત્તમ અવસર.- ડો. વલ્લભભાઈ કથીરિયા

ભારતીય સંસ્કૃતિમાં ગાય માતાનું વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હિંદુ પરંપરામાં ગાય ની પૂજા કરવામાં આવે છે, અને તેને પવિત્ર માનવામાં આવે છે. ગાય માત્ર ધાર્મિક માન્યતા માટે જ મહત્વની નથી, પણ વૈજ્ઞાનિક, આરોગ્યપ્રદ અને પર્યાવરણીય દૃષ્ટિએ પણ એ અતિ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં ‘ગૌ આલિંગન દિવસ / કાઉ હગ ડે’ (Cow Hug Day) ની પરંપરા શરૂ થઈ છે, જેનો ઉદ્દેશ્ય ગૌ પ્રત્યે પ્રેમ, કરુણા અને માનવતાને પ્રદર્શિત કરવાનો છે. અને ગૌ રક્ષા માટે આવો ગાય કો ગલે લગાએ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવીએ. GCCI ના સ્થાપક ડો. કથીરિયા એ ગૌ ને હગ કરવાના વૈજ્ઞાનિક મહત્વ પર સમાજનું વિશેષ ધ્યાન દોરતા જણાવ્યુ હતું કે વૈજ્ઞાનિક સંશોધન મુજબ, જ્યારે આપણે ગૌને આલિંગન કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાં ઓક્સિટોસિન નામક હોર્મોન સક્રિય થાય છે. આ હોર્મોન તણાવ ઘટાડે છે, મનમાં શાંતિ અને હકારાત્મકતા લાવે છે. વિદેશોમાં ‘કેટલ થેરાપી’ (Cattle Therapy) ને માનસિક આરોગ્ય સુધારવા માટે વપરાય છે. ભારતમા પણ ગૌ-સંપર્ક થેરાપી (Cow Therapy) ને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેનાથી માનસિક તણાવ દૂર થઈ શકે છે. ગૌ દ્વારા મળતા પંચગવ્ય – દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર અને ગોબર – માનવ આરોગ્ય માટે લાભદાયક છે. ગૌ સાથે સંપર્કમાં રહેવાથી માનસિક શાંતિ અને આત્મિક સુખની અનુભૂતિ થાય છે. ડો. કથીરિયા એ ગૌ ને હગ ના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ જણાવતા કહ્યું કે ઋગ્વેદ, મહાભારત, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથોમાં ગૌને પવિત્ર ગણવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગોપાલક તરીકે ગૌ-સેવાનો ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૌની સેવા કરવાથી માનસિક શાંતિ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, ગૌની સાથે સમય વિતાવવાથી ચિંતનશક્તિ અને ધ્યાનમાં વૃદ્ધિ થાય છે, જે યોગસાધનામાં પણ મદદરૂપ બને છે. ડો. કથીરિયા એ સામાજિક અને પર્યાવરણીય મહત્વની વાત કરતાં જણાવ્યુ કે ગૌરક્ષા ફક્ત ધાર્મિક મુદ્દો નથી, પરંતુ તે પર્યાવરણ માટે અત્યંત ઉપકારક છે. ગૌ આધારિત કૃષિ જમીનનું સમતોલન જાળવી રાખે છે. ગૌ સંવર્ધન માટે ગૌશાળાઓનો વિકાસ અત્યંત જરૂરી છે. “ગૌ આલિંગન દિવસ / કાઉ હગ ડે” એ ગૌશાળાઓને પ્રોત્સાહન આપવાનો ઉત્તમ અવસર છે. ગૌ આધારિત ઉદ્યોગો, જેમ કે ગૌમૂત્રમાંથી દવાઓ, ગોબરથી બનેલી વસ્તુઓ, અને અન્ય સ્વદેશી ઉત્પાદનોનો વિકાસ કરવામાં આવે તો આર્થિક પ્રગતિમાં સહાયરૂપ થઈ શકે છે. ડો. કથીરિયા એ સમગ્ર દેશમાં ગૌશાળા સંચાલકો,ગૌ પ્રેમી સમાજ ને “ગૌ આલિંગન દિવસ / કાઉ હગ ડે” દિવસની ઉજવણી કેવી રીતે કરવી શું શું પ્રવૃત્તિઓ કરી શકાય તેના પર ચર્ચા કરતાં જણાવ્યું કે લોકો ગૌશાળાઓમાં જઈને ગૌને આલિંગન કરે અને ગૌ-સેવા માટે પ્રતિજ્ઞા લે. આ દિવસે ગૌ માતાની પૂજા કરવામાં આવે, અને ગૌ માટે લીલું ઘાસ, ગોળ અને ચારો આપવાની વ્યવસ્થા કરવામાં આવે. પંચગવ્ય, ગોબરથી બનેલી મૂર્તિઓ, આયુર્વેદિક દવાઓ વગેરેની પ્રદર્શિની યોજી શકાય. ગૌ-સંવર્ધન અને ગૌ-સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે સેમિનાર અને વેબિનાર યોજી શકાય. ગૌ ઉદ્યોગોને વધુ વિકસાવવા માટે તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરી શકાય. શાળાઓમાં ગૌ પર નિબંધ, ચિત્રકલા, અને ભાષણ સ્પર્ધાઓ યોજી શકાય, જેથી નાના વયના બાળકો પણ ગૌ પ્રત્યે લાગણી અને સંસ્કાર વિકસાવી શકે આ માટે ગૌશાળાનો પ્રવાસ ગોઠવી શકાય. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગૌ-સેવા પર ચિંતન શિબિરો યોજી શકાય, જેમાં લોકો ગૌની મહિમા અને તેના લાભો પર ચર્ચા કરી શકે. ડો. કથીરયા એ વિશેષમાં જણાવ્યું કે “ગૌ આલિંગન દિવસ / કાઉ હગ ડે” માત્ર એક દિવસ ઉજવવાનો કાર્યક્રમ નથી, પણ ગૌ-સેવા અને ગૌ-સંરક્ષણનું એક આંદોલન છે. જો આપણે ગૌનું સન્માન કરીશુ, ગૌની સેવા કરીશુ, તો આપણા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય આવશે. આપણે સૌ સાથે મળીને “ગૌ આલિંગન દિવસ / કાઉ હગ ડે” ને એક વસ્તવિક આંદોલન બનાવીશું.