14, એપ્રિલ, ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી

બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14મી એપ્રિલે આપણા સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ પૂરા દેશમાં “બાબાસાહેબ આંબેડકર” તરીકે પણ ઓળખાય છે. આપણા ભારત દેશમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા સૌ દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. બાબાસાહેબ એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે.
ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. આ 14 એપ્રિલ જન્મજયંતિ છે. આંબેડકરના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ડો.આંબેડકર બાળપણથી ખૂબ જ ગુણવાન અને બુદ્ધિમાન હતા. ડો.ભીમરાવ આંબેડકરને જ્ઞાતિના ભેદભાવના કારણે ઘણુ બધુ સહન કરવુ પડ્યુ હતુ. શાળામાં તેમને સમાન હક મળતો ન હતો, તેમને વર્ગની બહાર ઉભા રહીને ભણવું પડતું હતું, ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ પણ આભડછેટ રાખતા હતા અને તેમની પાસે કે સાથે બેસવું ખરાબ માનતા હતા. એટલુ જ નહીં, ભીમરાવ આંબેડકરને શાળામાં પાણી પીવાનો પણ અધિકાર ન હતો. આવા પોતાના કડવા અનુભવોએ ડૉ. આંબેડકરના બાળ મન પર ઊંડી અસર છોડી હતી. ભીમરાવ આંબેડકરને નીચી જાતિના હોવાને કારણે ઘણું બધુ સહન કરવું પડ્યુ હતું. પરંતુ, ભીમરાવ આંબેડકરે ક્યારેય પોતે હાર ન માની હતી અને તે પોતાનું લક્ષ્ય હાસીલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ડૉ.આંબેડકરના બાળ લગ્ન થયા હતા. સન એપ્રિલ,1906 માં જ્યારે ડૉ. ભીમ રાવ આંબેડકરની ઉંમર 15 વર્ષની હતી, ત્યારે તેમના લગ્ન રમાબાઈ સાથે થયા હતા. ત્યારે રમાબાઈની ઉંમર માત્ર 9 વર્ષની જ હતી. ડો.આંબેડકરના પિતા એક સૈનિક હતા. તેમના પિતાજી 1894માં નિવૃત્ત થયા અને બે વર્ષ પછી ડૉ. આંબેડકરની માતાનું પણ અવસાન થયું હતું. આ સ્થિતિમાં બાળકોની સાર-સંભાળની સમસ્યા ઊભી થઈ, ડો આંબેડકર અને તેમના ભાઈ બહેનની સંભાળ પછી તેમની કાકીએ તમામ બાળકોની સંભાળ લીધી હતી.જો કે આ સમય દરમિયાન રામજી સકપાલના ત્રણ પુત્રો બલરામ, આનંદરાવ અને ભીમરાવના અને બે પુત્રીઓ મંજુલા અને તુલસા પણ આ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હતા. હવે, આ બધા જ તેમના ભાઈઓ અને બહેનોમાં માત્ર ડૉ. આંબેડકર જ શાળામાં શિક્ષણ મેળવી શક્યા હતા.
ડો. આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ એ 14 એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે. ડો. આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં ‘સમાનતા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસને “આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ” તરીકે જાહેર કરવાની માંગ સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી છે.
ડૉ.ભીમરાવ આંબેડકરે 26મી નવેમ્બર 1949ના રોજ લગભગ 2 વર્ષ 11 મહિના અને 7 દિવસના પોતાના અથાક પરિશ્રમથી સમાનતા, સમાજમાં બંધુત્વ અને માનવતા પર આધારિત ભારતીય બંધારણ તૈયાર કર્યું હતું. ત્યાર બાદ, તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને દેશના તમામ નાગરિકોને સોંપવાથી, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દરેક વ્યક્તિની સ્વાભિમાની જીવનશૈલીએ ભારતીય સંસ્કૃતિનો મહિમા કર્યો હતો.
-મિતલ ખેતાણી(મો. 98242 21999)































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































