ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડાપ્રધાને આપેલી ખાદ્યતેલ વપરાશ ઘટાડવાની ટીપ્સ પર
હોમ સાયન્સ ભવનમાં કાર્યક્રમ યોજાયો
ફેકલ્ટીઓ અને વિદ્યાર્થિનીઓએ વડાપ્રધાનની વાતને ઝુંબેશ તરીકે સ્વીકારવા કરી હાક્લ.
ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાદ્યતેલના વપરાશમાં ૧૦% નો કાપ મુકવાનું સુચન કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનમાં આ વિષયે સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. વડાપ્રધાને દરેક દેશવાસી પોતાના ભોજનમાં ૧૦% તેલનો વપરાશ ઘટાડે અને પોતાની જાતને મેદસ્વિતાથી બચાવે તથા તંદુરસ્તી વધારે એવું મન કી બાત કાર્યક્રમમાં સૂચન કરતા આખા દેશમાં આ વિચારનું સ્વાગત કરવામાં આવ્યું છે અને અલગ-અલગ સંસ્થાઓમાં કાર્યક્રમો યોજાઈ રહયાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એસ.બી. ગારડી હોમ સાયન્સ ભવનમાં ‘મન કી બાત’ વિષયક વડાપ્રધાનના વિચારની શોર્ટ ફિલ્મ બતાવી સ્ટાફ મેમ્બર્સ તથા વિદ્યાર્થીનીઓને આ વિષયક જરૂરી માહિતી આપવામાં આવી હતી. ભવનનાં અધ્યક્ષા પ્રો.ડો. રેખાબા જાડેજાએ વડાપ્રધાનના વિચારને વધાવી પરંપરાગત ગુજરાતી થાળીમાંથી મળતાં પોષક તત્વોની માહિતી આપી હતી અને તેલના વધુ પડતા ઉપયોગ સામે ચેતવણી વ્યકત કરી હતી. તેમણે યુવાધનને સાત્વિક ભોજન લેવા અનુરોધ કર્યો હતો. ભવનના ફેકલ્ટી ડો. એચ.ડી. જોષીએ ભોજનમાં લીલા શાકભાજી, કઠોળ, મિલેટસ વધારે લેવાની અને તેલનો ઉપયોગ ઘટાડવાની સલાહ આપી. યુનિવર્સિટીના ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ દરેક વ્યકિત દરરોજ એકાદ કલાક ગમતી કસરત અથવા રમત પર ફોકસ કરે અને તંદુરસ્ત રહે એવું જણાવ્યું હતું. આ તકે ભવનની વિદ્યાર્થિનીઓએ પણ પોતાના સુંદર વિચારો વ્યકત કરી વડાપ્રધાનની વાતને ઝુંબેશ તરીકે સ્વીકારી રાષ્ટ્રને સ્વસ્થ બનાવવા હાકલ કરી હતી.