#Blog

પતંગના દોરાથી માનવ અને પક્ષીઓની સુરક્ષા માટે હાઈકોર્ટએ ચાઇનીઝ માંજા સહિત પ્રતિબંધિત દોરા સામે રાજ્ય સરકારે જાહેર કરી કડક નવી પોલિસી

પતંગના દોરાથી માનવ તથા પશુ-પક્ષીઓને થતી ગંભીર ઇજાઓને અટકાવવા સંદર્ભે દાખલ થયેલી WPPIL નં. 6/2017માં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંની નોંધ લીધી છે. ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય તથા અહિંસા મહાસંઘ, એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને ગ્રાઉન્ડ રિયાલિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચ દ્વારા કરાયેલ આ જાહેરહિત અરજીમાં તા. 19-12-2025ના રોજ નામદાર હાઇકોર્ટે મુખ્ય સચિવ ગૃહ વિભાગ શ્રીમતી નિપુણા તોરવણે દ્વારા દાખલ કરાયેલા તા. 27-11-2025 અને તા. 12-12-2025ના સોગંદનામાની નોંધ લીધી હતી. અગાઉ તા. 19-09-2025ના રોજ ગૃહ વિભાગના સચિવ શ્રીમતી શ્રદ્ધા પરમારે સોગંદનામું કરી તા. 06-09-2025ના રોજ પોલીસ મહાનિર્દેશક દ્વારા તૈયાર કરાયેલી ઉત્તરાયણ ડ્રાફ્ટ પ્લાન પોલિસી રજૂ કરી હતી. આ પોલિસી મુજબ તુક્કલ, ચાઇનીઝ માઝા, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી તેમજ કાચ કે અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલી દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવા માટે તમામ પોલીસ કમિશ્નરો અને જિલ્લા મેજિસ્ટ્રેટોને ડિસેમ્બરમાં જાહેરનામા બહાર પાડવાની તથા વ્યાપક પ્રસિદ્ધિ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ અધિકારીને જાતે ફરિયાદી બનવાની સત્તા આપવામાં આવી છે તેમજ સ્થાનિક સ્તરે ગુપ્ત માહિતી આધારે શંકાસ્પદ સ્થળોએ છાપા મારી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. પ્રતિબંધિત દોરાની ઑનલાઇન વેચાણ સામે પણ કડક કાર્યવાહી કરવાની રહેશે તેમજ તેના ઉત્પાદન, પુરવઠો અને સમગ્ર સપ્લાય ચેઇનના લોકોની ઓળખ કરી તપાસ કરવાનું રહેશે. રાજ્ય બહારથી કે દેશ બહારથી આવા દોરાની આયાત અટકાવવા માટે સરહદી જિલ્લાઓમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. દરેક શહેર અને જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે હેલ્પડેસ્ક શરૂ કરી 112 ઉપર મળતી ફરિયાદો માટે અલગ રજીસ્ટર રાખી 24 કલાક પોલીસ તૈનાત રાખવાની તથા રોજિંદી સમીક્ષા કરવાની પણ સુચના આપવામાં આવી છે. તા. 17-09-2025ના રોજ આ તમામ સૂચનાઓ પરિપત્રરૂપે જાહેર કરવામાં આવી હતી. બાદમાં કેટલાક વેપારીઓ દ્વારા કાચ પાયેલી કોટન દોરીને છૂટ આપવાની માંગ કરાતા હાઈકોર્ટે સરકારને ફેરફાર કરવા હુકમ આપ્યો અને તા. 07-11-2025ના રોજ ગૃહ વિભાગે પરિપત્રમાં સ્પષ્ટીકરણ ઉમેરી પરંપરાગત રીતે બનાવેલી, સંપૂર્ણ બાયો-ડિગ્રેડેબલ ઘટકો ધરાવતી અને નિર્ધારિત મર્યાદામાં કાચ પાવડર વપરાયેલી કોટન દોરીને મંજૂરી આપી. સરકારના સોગંદનામા મુજબ અત્યાર સુધીમાં 25 જિલ્લાઓમાં જાહેરનામા જારી કરાયા છે, 4399 સ્થળોએ છાપા મારી 36.80 લાખ રૂપિયાનું પ્રતિબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો છે, 59 ગુનાઓ નોંધાયા છે અને 73 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. તા. 19-12-2025ની સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દરેક પોલીસ સ્ટેશનમાં વિશેષ ટીમ તથા ઓળખ જાહેર ન થાય એવી 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરવાની રજૂઆત કરી હતી.

કોર્ટએ સામાન્ય નાગરિકોને પણ પ્રતિબંધિત દોરાના વેચાણ સામે ફરિયાદ કરવા પ્રોત્સાહન આપ્યું છે અને આ કેસની આગળની સુનાવણી તા. 09-01-2026ના રોજ નક્કી કરવામાં આવી છે.

  • નિમિષ એમ. કાપડિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *