“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 : અમદાવાદમાં ‘ગૌટેક 2025’ વિશેષ આકર્ષણ”

સ્વદેશી જાગરણ મંચ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” જેનું ભારત સરકારના માનનીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્વદેશોત્સવ એક્સ્પો ની મુલાકાત દરમ્યાન GCCI સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે GCCI દ્વારા રજૂ કરાયેલા ગૌ આધારિત નવાચાર, વિવિધ સ્ટાર્ટઅપ મોડેલ્સ અને ગૌમય ઉત્પાદનોનું ધ્યાનપૂર્વક અવલોકન કર્યું. મુલાકાત દરમિયાન શ્રી પંચાલજી એ જણાવ્યું કે ગૌ આધારિત ઉદ્યોગો સ્વદેશી અર્થતંત્રને મજબૂતી સાથે પર્યાવરણમિત્ર અને આરોગ્યલક્ષી જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે.
GCCIના સભ્યો એ આ અવસર પર ગૌ આધારિત સંશોધન, ટેકનોલોજી, ઇનોવેશન અને ઉદ્યોગોની વિસ્તૃત સંભાવનાઓ અંગે માહિતી આપી. તેમણે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને આગામી GauTech Pune 2026 વિશે પણ માહિતગાર કર્યા. રાષ્ટ્રીય સ્તરે યોજાનાર આ વિશિષ્ટ કાર્યક્રમ તા.20 થી 23 માર્ચ 2026 દરમિયાન પુણે ખાતે એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડમાં યોજાશે. GauTech Pune 2026 દેશ-વિદેશના સંશોધકો, ઔદ્યોગિક આગેવાનો, વૈજ્ઞાનિકો અને યુવા સ્ટાર્ટઅપ ઉદ્યમીઓને એક જ મંચ પર લાવનાર મહત્ત્વપૂર્ણ આયોજનોમાંનું એક બનશે.
શ્રી જગદીશ વિશ્વકર્માજીએ GCCI ના ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોની પ્રશંસા કરતાં જણાવ્યું કે આવી પહેલો સ્વદેશી વિકાસને નવી ગતિ આપે છે. તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો કે GauTech Pune 2026 ગૌ આધારિત ઉદ્યોગ ક્ષેત્ર માટે એક માઇલસ્ટોન સાબિત થશે અને દેશના ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા આપશે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































