ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલકથા માટે ગા્નટ ઈન સ્કૂલ આચાર્ય સંઘને આમંત્રણ

આચાર્ય સંઘે ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી, તન-મન-ધનથી સહયોગ માટે આપી ખાતરી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને પર્યાવરણ જાગૃતિના ઉમદા હેતુસર આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ ડો. કુમાર વિશ્વાસની પાવનકારી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના આમંત્રણ અર્થે ટ્રસ્ટના અગ્રણીઓએ ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્ય સંઘ સાથે આમંત્રણ સમારોહનું આયોજન કર્યું હતું.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંરક્ષણ અને જળસ્ત્રોત પુનર્જીવિત કરવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે, જેનો પરિચય આપી ટ્રસ્ટે આચાર્ય સંઘને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.
આ પ્રસંગે બોલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના શ્રી શૈલેષભાઈ જાનીએ જળસંચયના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં પાણીને પરમ તત્વ માનવામાં આવ્યું છે. આજે, ભૂગર્ભ જળના સ્તરો ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યા છે ત્યારે દરેક નાગરિકે જળ સંરક્ષણનું અભિયાન પોતાના માથે લેવું પડશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ માત્ર બંધો કે તળાવો બનાવતું નથી, પરંતુ સમાજમાં પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની ભાવના જગાડે છે. શિક્ષકો અને આચાર્યો યુવા પેઢીના ઘડવૈયા છે ત્યારે તેમનો સહયોગ આ મિશનને બહુ મોટો વેગ આપશે.
આ સમારોહમાં બોલતા ટ્રસ્ટના અગ્રણી શ્રી મનોજભાઈ કલ્યાણીએ નિર્દેશ કર્યો હતો કે, જળસંચયનું કાર્ય ધાર્મિક કે સરકારી નહીં, પણ સામાજિક જવાબદારી છે. જળવાયુ પરિવર્તનની અસરો સ્પષ્ટ દેખાય છે, ત્યારે આપણી આવનારી પેઢી માટે શુદ્ધ જળ અને હરિયાળી છોડવી એ આપણું કર્તવ્ય છે, જેમાં આચાર્ય સંઘની ભૂમિકા અત્યંત મહત્વની સાબિત થશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ ઉમદા ઉદ્દેશ્ય અને આમંત્રણને ગ્રાન્ટેડ સ્કૂલ આચાર્ય સંઘે સન્માનપૂર્વક સ્વીકાર્યું હતું. સંઘના અગ્રણીઓએ ટ્રસ્ટની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને મુક્ત કંઠે બિરદાવી હતી અને ખાતરી આપી હતી કે આચાર્ય સંઘ આ કથાના આયોજનમાં તન, મન અને ધનથી સંપૂર્ણ સહાય અને સહયોગ આપશે. સંઘના સભ્યોએ ટ્રસ્ટના જળસંચયના મિશનમાં સક્રિય ભાગીદારી નોંધાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































