#Blog

ડો. કુમાર વિશ્વાસના હસ્તે ‘જલજ્ઞાન એવોર્ડ’ જીતવાની અનેરી તક

​જળસંચય મહાઅભિયાનના ભાગરૂપે ઓનલાઈન ‘જલકથા ક્વિઝ’ : કોઈપણ વ્યક્તિ લઈ શકશે ભાગ

ભારત સરકારના જલશક્તિ મંત્રાલય સાથે એમઓયુ કરીને જળસંચયના ઉત્તમ કાર્યો કરી રહેલ શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ એક ભવ્ય અને દિવ્ય ‘જલકથા: અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વર્ષના પ્રખ્યાત કવિ, તત્વચિંતક અને વક્તા ડૉ. કુમાર વિશ્વાસના વ્યાસાસને યોજાનારી આ કથા પૂર્વે જલજાગૃતિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.

    ઉલ્લેખનીય છે કે, ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’નો મુખ્ય ઉદ્દેશ્ય જળસંચયના કાર્યોને વેગ આપવાનો અને પાણીનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો છે.

આ જલ કથા અંતર્ગત પાણીનું આધ્યાત્મિક, ધાર્મિક, વૈજ્ઞાનિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક મહત્વ સમજાવવા અને જાગૃતિ લાવવા માટે ટ્રસ્ટ દ્વારા એક સુંદર ઓનલાઈન ‘જલકથા ક્વિઝ’ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.

​       ​આ ઓનલાઈન ક્વિઝમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે. સ્પર્ધકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રશ્નોના ઉત્તર આપી શકશે. ભાગ લેનાર તમામ લોકોને ઈ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, ક્વિઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટોચના ૧૦ સ્પર્ધકોને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી કથા દરમિયાન ડૉ. કુમાર વિશ્વાસના શુભ હસ્તે ‘જલજ્ઞાન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ટ્રસ્ટનો આ નવતર પ્રયોગ જળ સંરક્ષણના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

     દરમિયાન, ​ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જળસંચય એ આજના સમયની તાતી જરૂરિયાત છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડૉ. કુમાર વિશ્વાસના સાનિધ્યમાં આ જલકથા દ્વારા જળ સંરક્ષણના પવિત્ર કાર્યને એક નવું પરિમાણ આપવામાં આવી રહ્યું છે. આ ‘જલકથા ક્વિઝ’ જ્ઞાનની ગંગા લોકો સુધી પહોંચાડવાનો એક અવસર છે ત્યારે દરેક નાગરિક આ ક્વિઝમાં ભાગ લઈને જળ સંરક્ષણના આ મહાઅભિયાનમાં સહભાગી થાય તેવી તેમણે અપીલ કરી હતી.

ક્વિઝમાં ભાગ લેવા ઈચ્છુક લોકો ક્વિઝ માટેની લિંક :​જલકથાક્વિઝ.કોમ (jalkathaquiz.com) પરથી અથવા ક્યુઆર કોડ સ્કેન કરીને ક્વિઝમાં ભાગ લઈ શકશે. આ અંગે વધુ વિગત માટે શ્રી ​પ્રકાશ ભાલાળા (98258 04511) શ્રી આશિષ વેકરીયા (90339 71508) અથવા શ્રી ​શૈલેષ ભીમાણી (99099 58083)નો સંપર્ક કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *