કચ્છ-ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા રાજ્ય સરકાર અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર,

ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રને વૈજ્ઞાનિક દિશા આપવા ભુજ ખાતે નવી પશુચિકિત્સા મહાવિદ્યાલયની સ્થાપના
MoU સાઇનિંગથી પશુપાલકોને મળશે અદ્યતન સંશોધન તથા આરોગ્ય સેવાઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ ખાતે આ મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. MoUના માધ્યમથી પશુપાલન ખાતાની માલિકી હેઠળની 38 એકર અને 23 ગુંઠા જમીન તથા તેના પર આવેલી તમામ મિલકતો કામધેનુ યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. આ જમીન અને સુવિધાઓનો ઉપયોગ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક અભ્યાસક્રમો, સંશોધન કાર્ય તથા વિસ્તરણ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કચ્છ-ભુજ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના માટે રાજ્યના પશુપાલન વિભાગ અને કામધેનુ યુનિવર્સિટી-ગાંધીનગર વચ્ચે ભવ્ય સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ કરાર ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ તથા પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર અને કામધેનું યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ડી. પી. ટાંક દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વેટરનરી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, નવી દિલ્હીના નિર્ધારિત માપદંડો મુજબ જરૂરી ઇમારતો, જમીન અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આ MoU અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પહેલથી ખાસ કરીને કચ્છ જિલ્લાના તથા સમગ્ર ગુજરાતના પશુપાલકોને વૈજ્ઞાનિક પશુચિકિત્સા સેવા, અદ્યતન સંશોધન તથા શિક્ષણના લાભો સરળતાથી પ્રાપ્ત થશે. આ મહાવિદ્યાલયને વહેલી તકે કાર્યરત કરવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા આશરે 38 જેટલા સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. આ સંસ્થા કાર્યરત થતા ગુજરાતમાં કુલ છ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયો કાર્યરત થઈ જશે. આથી પશુપાલન ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, નવીનતા અને સેવાઓને વધુ વેગ મળશે. કચ્છ જેવા વિશાળ ભૂગોળ ધરાવતા અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર જિલ્લામાં આ મહાવિદ્યાલય શરૂ થવાથી સ્થાનિક પશુપાલકોને મોટી રાહત મળશે. સાથે જ પશુ આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનશે અને પશુપાલકોના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
આ મહાવિદ્યાલય માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ સંશોધન દ્વારા પશુપાલન ક્ષેત્રે નવી તકનીકો, નવી પદ્ધતિઓ તથા વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાત સરકાર અને કામધેનુ યુનિવર્સિટીની આ સંયુક્ત પહેલ રાજ્યને પશુપાલન ક્ષેત્રે વધુ આત્મનિર્ભર અને અગ્રેસર બનાવવા માટે એક માઇલસ્ટોનરૂપ સાબિત થશે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































