ગૌ અને ગુરુપૂર્ણિમા :ભારતીય સંસ્કૃતિની બે પવિત્ર વિભાવનાઓ

ભારતવર્ષની સાંસ્કૃતિક પરંપરામાં બે અતિશય પાવન પ્રતિકો છે, ગૌમાતા અને ગુરુ. આ બન્નેનો મહિમા આપણા શાસ્ત્રો, પુરાણો, લોકસંસ્કૃતિ અને જીવનવ્યુહમાં હંમેશાં સર્વોચ્ચ રહ્યો છે. ગૌ જીવનદાયીની છે અને ગુરુ જ્ઞાનધની છે. જ્યારે ગુરુપૂર્ણિમા જેવા પવિત્ર પર્વ પર આપણે બન્નેના મહાત્મ્યને એકસાથે સ્મરણે લાવીએ છીએ ત્યારે આ દિવસ માત્ર શ્રદ્ધા અથવા પૂજન પૂરતો સીમિત ન રહેતા, પણ આત્મોન્નતિ અને લોકકલ્યાણનો સંકલ્પ બની જાય છે. ‘ગુ’ અર્થ અંધકાર અને ‘રુ’ અર્થ પ્રકાશ. જે મહાપુરૂષ અવિદ્યારૂપ અંધકારમાંથી કાઢી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે સાચા ગુરુ છે. ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ – મહર્ષિ વેદવ્યાસની સ્મૃતિમાં, જેમણે વેદોને વિભાગ કરીને જ્ઞાનને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. આજના યુગમાં પણ દરેક સાધક, વિદ્યાર્થી અને મનુષ્યના જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. માત્ર આધ્યાત્મિક ગુરુ નહીં, પણ માતા-પિતા, શિક્ષક, માર્ગદર્શન આપનાર અને સદ્બુતદ્ધિ આપનાર દરેક વ્યક્તિ ગુરુરૂપ છે અને પૂજનીય છે. ગૌ માતાને ‘કામધેનુ’ કહેવામાં આવી છે, જે સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરે છે. વૈદિક યુગથી આજ સુધી ગૌ ભારતીય જીવનના કેન્દ્રસ્થાનમાં રહી છે. ગૌ ધાર્મિક દૃષ્ટિએ તો પૂજનીય છે જ, પણ આર્થિક, પર્યાવરણીય અને આરોગ્યના દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ગાયનું દુધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર – આ પંચગવ્ય – આયુર્વેદિક ઔષધિઓનું મૂળ છે. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીથી લઈ જૈવિક ઊર્જા સુધી દરેક ક્ષેત્રે ગૌ આધારિત ઉકેલો ઉપલબ્ધ છે. ગ્રામ્ય અર્થતંત્ર, કુદરતી ઉપચાર, સંતુલિત આહાર અને પર્યાવરણીય સંરક્ષણમાં ગૌ માતાની ભૂમિકા અનમોલ છે. ગુરુપૂર્ણિમાનું પર્વ આપણને યાદ અપાવે છે કે ગૌ માતાની રક્ષા અને સેવા ફક્ત ભાવનાત્મક નહીં પણ શાસ્ત્રસંગત, વૈજ્ઞાનિક અને આત્મિક દૃષ્ટિએ કરવી જોઈએ. જ્યારે ગુરુ આપણને જણાવે છે કે ગાયના માધ્યમથી આપણે સમૃધ્ધ અને સંસ્કારી ભારતના સપનાને સાકાર કરી શકીએ છીએ, ત્યારે આપણે ગૌપૂજા તો કરીએ જ, પણ સાથે ગૌ આધારિત જીવનશૈલી અપનાવીએ. ગુરુ એ દ્રષ્ટિ આપે છે જેના માધ્યમથી ગૌસેવા માત્ર કર્મ નહીં, પણ ધર્મ બની જાય છે. ગુરુપૂર્ણિમાનું આ પાવન પર્વ આપણને શીખવે છે કે જેમ ગુરુ જીવનમાં દિશા આપે છે, તેમ ગૌ માતા જીવનને પોષણ આપે છે. બન્નેનું સન્માન, સેવા અને સંરક્ષણ એ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિની સેવા છે. ચાલો, આ ગુરુપૂર્ણિમાના દિવસે સંકલ્પ લઈએ – ગૌ માતાની રક્ષા કરીએ, ગુરુઓના જ્ઞાનને જીવનમાં ઉતારીએ અને ભારતને ફરી એકવાર વૈદિક તેજથી પ્રકાશિત કરીએ. ગુરુદેવને વંદન ! ગૌ માતા ને વંદન ॥ શ્રી ગુરવૈ નમ: । શ્રી સુરભ્યૈ નમ: ॥
-ડો. વલ્લભભાઈ કથીરિયા