જળ એ જ જીવન: ડી એલ વાલ્વ કંપનીના માલિક ભરતભાઈ ટીલવા અને શ્રમિકોનો જળસંચય યજ્ઞ‘ટીપે ટીપે સરોવર ભરાશે’

કર્મચારીઓના સ્વેચ્છિક દાનમાં માલિક પણ સમાન હિસ્સો ઉમેરી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આપશે સહયોગ: સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
વર્તમાન સમયમાં જ્યારે પાણીની એક-એક બુંદ કિંમતી બની રહી છે, ત્યારે ડી એલ વાલ્વ કંપનીના કર્મચારીઓ અને માલિકે સાથે મળીને સમાજ સેવા અને જળસંચયનો એક નવો પથ કંડાર્યો છે. તાજેતરમાં કંપનીના પ્રાંગણમાં આયોજિત એક વિશેષ બેઠકમાં કંપનીના માલિક ભરતભાઈ ટીલવાએ સૌને પાણીની ગંભીરતા અને જળસંચયની અનિવાર્યતા વિશે ભાવુક સમજણ આપી હતી.
આ બેઠકમાં ભરતભાઈ ટીલવાની અપીલને માન આપી કંપનીના દરેક કર્મચારીએ પોતાની અનુકૂળતા મુજબ સ્વેચ્છિક રીતે દાન આપવાનો સંકલ્પ કર્યો હતો. દર મહિને ₹1 થી લઈને ₹1000 સુધીની રકમ કર્મચારીઓ કોઈ પણ પ્રકારના દબાણ વગર દાન પેટીમાં જમા કરશે.
આ બેઠકમાં શ્રી ભરતભાઈ ટીલવાએ જણાવ્યું હતું કે, આ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ આવનારી પેઢીને સુરક્ષિત રાખવા માટેનો એક પવિત્ર સંકલ્પ છે. તેમણે કર્મચારીઓને અઠવાડિયામાં એક ‘ફાકી’ ઓછી ખાઈને પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે જળસંચય અભિયાનમાં સહયોગ માટે લાગણીસભર અપીલ કરી હતી.તેમના આ આહવાનને કર્મચારીઓએ સહર્ષ સ્વીકારી લીધું હતું.
ડી એલ વાલ્વ કંપનીના માલિકે એક પ્રેરણાદાયી જાહેરાત કરતા જણાવ્યું કે, જળસંચયના કાર્યો માટે કર્મચારીઓ સ્વેચ્છિક રીતે જેટલી રકમ એકઠી કરશે, તેટલી જ રકમ કંપની પોતે તેમાં ઉમેરશે અને કર્મચારી અને માલિકના સંયુક્ત સહયોગથી આ રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચેકડેમ બનાવવા, જુના ચેક ડેમો ઊંચા કરવા, ઊંડા કરવા, બોરકુવા રિચાર્જ કરવા વગેરે જેવા ભગીરથ કાર્યો કરી રહ્યું છે. જળસંચય એ માત્ર સરકારી કામ નથી, પણ સમાજની પોતાની નૈતિક જવાબદારી છે. ટ્રસ્ટ દ્વારા થતા આ કાર્યોથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે, જેનાથી ખેતી અને પર્યાવરણને નવું જીવન મળ્યું છે.
આ તકે, શ્રી ભરતભાઈ ટીલવાએ અન્ય કંપનીઓ અને માલિકોને પણ અપીલ કરી હતી કે, આવનારી પેઢી પાણી વિના વલખાના મારે તે હેતુથી તેઓ પોતાની સામાજિક જવાબદારી સમજીને આગળ આવે. પરિવારના સારા કે નરસા પ્રસંગોએ ખોટા ખર્ચ ટાળીને જો જળસંચય માટે દાન આપવામાં આવે, તો ધરતી માતાને ફરી લીલીછમ બનાવી શકાશે.































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































