#Blog

કોલ્હાપુર (મહારાષ્ટ્ર) કનેરીમઠ ખાતે“દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” માં ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.

શ્રી સિદ્ધગિરી મઠ, કનેરી, કોલ્હાપુર (મહારાષ્ટ્ર)ની પવિત્ર ધરા પર તા. ૭ થી ૯ જૂન, ૨૦૨૫ દરમ્યાન “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ”નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ ઐતિહાસિક સંગમમાં સમગ્ર દેશમાંથી સંત-મહંતો, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌસેવકો, સામાજિક કાર્યકરો તથા ગ્રામ વિકાસને સમર્પિત કર્મયોગીઓએ હાજરી આપી અને રાષ્ટ્રનિર્માણ અંગે સંયુક્ત મંથન કર્યું. આ કાર્યક્રમ પૂજ્ય કાડસિદ્ધેશ્વર સ્વામીજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમણે સંકલ્પ લીધો છે કે ભારત તેની સાંસ્કૃતિક તથા ગ્રામ્ય પરંપરાના આધારે પુનઃ આત્મનિર્ભર અને વૈશ્વિક મંચ પર ગૌરવપૂર્ણ રાષ્ટ્ર તરીકે સ્થાપિત થશે. આ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ પોતાના પ્રેરક સંબોધનમાં તેમણે કહ્યું કે, “ભારતની આત્મા તેના ગામોમાં વસે છે. જો આપણે ભારતને આત્મનિર્ભર બનાવવું હોય, તો સૌપ્રથમ આપણા ગામોને આત્મનિર્ભર બનાવવા પડશે.” તેમણે દેશી ગૌવંશ આધારિત પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય અને ગોમય આધારિત ઉત્પાદનના વૈજ્ઞાનિક ઉપયોગો, જળસંચય તથા પરંપરાગત બળદથી ચાલતા ખેત સાધનોની પુનઃસ્થાપના જેવા વિષયો પર વિસ્તૃત ચિંતન કરતા કહ્યું કે પરંપરા અને વિજ્ઞાનનો સમન્વય જ ગામોની પ્રગતિનો સાચો માર્ગ છે. ડૉ. કથિરિયાએ શ્રી સિદ્ધગિરી મઠ દ્વારા સંચાલિત સમગ્ર ગ્રામ વિકાસ યોજનાઓ જેવી કે આદર્શ ગૌશાળા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ્વદેશી ઉત્પાદન એકમો અને સજીવ ખેતી પ્રકલ્પોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ સંસ્થા સમગ્ર ભારત માટે એક આદર્શ મોડલરૂપ બની શકે છે. સમગ્ર આયોજન દરમિયાન શિક્ષણ, આરોગ્ય, ગ્રામ્ય સંસ્કૃતિ, નદી-જળ સંરક્ષણ, દેશી ગાયોની ઓલાદ સુધારણા, ગોમય ઉત્પાદનોની ઉપયોગિતા, બળદ આધારિત પ્રાકૃતિક ખેતી, કૃષિ આત્મનિર્ભરતા જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ. ડૉ. કથિરિયાએ ખાસ કરીને ગૌ આધારિત ગ્રામિણ અર્થતંત્રને ભારતના પુન;સ્થાસ્થાપન નો મૂળમંત્ર જણાવતાં કહ્યું કે આ મોડલ ખેડૂતોની આવકમાં વધારો કરવા ઉપરાંત સ્વસ્થ, સમૃદ્ધ અને સ્વદેશી ભારતના નિર્માણમાં પણ મદદરૂપ થશે. આ સમગ્ર કાર્યક્રમમાં પૂજ્ય કાડસિદ્ધેશ્વર સ્વામીજી મહારાજની આધ્યાત્મિક ઉપસ્થિતિ રહી ભાગ લેનારા તમામ મહાનુભાવોને રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત થવાની પ્રેરણા આપી. સમાપન સમારંભમાં ડૉ. વલ્લભભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે, “આ સંગમ માત્ર વિચારમંચ નહીં, પણ ભારતને આત્મનિર્ભર, સંસ્કારયુક્ત અને ગ્રામ કેન્દ્રિત બનાવવાનો એક દિવ્ય સંકલ્પ છે.” તેમણે આયોજક સમિતિ, સિદ્ધગિરી મઠ પરિવાર, ડૉ. રવિન્દ્રસિંહ અને શ્રી સંજય વશિષ્ઠ સહિત તમામ સહયોગીઓને આ પવિત્ર કાર્યક્રમની સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે જો આવા જાગૃતિ અભિયાનો દેશભરમાં સતત ચાલે, તો ભારતને પુનઃ વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *