#Blog

જૂનાગઢના ચોકલી ગામે જળક્રાંતિનો ઉદય: પુરુષોત્તમ લાલજી‌ ગૌશાળા દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્તસામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામ ખાતે જળ સ્તર ઉંચા લાવવા અને ખેતી-પશુપાલનને સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી શ્રી પુરુષોત્તમ લાલજી‌ ગૌશાળા દ્વારા નિર્મિત થનારા ચેકડેમનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામીણ અગ્રણીઓ, મુંબઈ અને અમેરિકા સ્થિત દાતાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા અકાળાના સામાજિક અગ્રણી શ્રી વિનુભાઈ રૂપાપરાએ જળસંચયનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પાણી એ માત્ર જરૂરિયાત નથી પણ જીવનનો આધાર છે. ગીરગંગાના માધ્યમથી આપણે જે જળ અભિયાન ચાલી રહ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ધરતીના પેટાળને ફરીથી તૃપ્ત કરવાનો છે. જો આપણે આજે વહી જતા વરસાદી પાણીને ચેકડેમો દ્વારા રોકીશું, તો જ આપણી આવતીકાલ સુરક્ષિત બનશે.
શ્રી વિનુભાઈ રૂપાપરાએ ઉમેર્યું હતું કે, જળસંચયના આ કાર્યોથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે અને પશુ-પક્ષીઓ માટે પણ પાણીની સુવિધા ઊભી થશે. જળસંગ્રહ એ જ સાચી દેશસેવા છે અને ચોકલી ગામનું આ કાર્ય સમગ્ર પંથક માટે ઉદાહરણરૂપ બની રહેશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે પ્રમુખ વિનોદભાઈ કાળુભાઇ ગજેરા, સરપંચ મહેશભાઇ બચુભાઈ ગજેરા અને ઉપસરપંચ વિનોદભાઈ કાળુભાઇ ગજેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. માજી સરપંચ મકવાણા રામસિંગભાઈ નાનજીભાઈએ પણ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો.
ગામના વિકાસ અને આ સેવાકીય કાર્યમાં સાથ આપવા માટે આ પ્રસંગે મુંબઈથી સંચરેસા અશ્વિનભાઈ લક્ષમણભાઈ અને સંચરેસા જયેશભાઇ લક્ષમણભાઈ, અમેરિકાથી શેખડા બાબુભાઈ હરજીવનભાઈ, રાજકોટથી બ્રાહ્મમણ હાર્દિકભાઈ, અકાળાથી વિનુભાઈ રૂપાપરા અને બીપીનભાઈ ઘોણા,ભીયાળથી તુષારભાઈ તેમજ ચોકલી ગામના અગ્રણીઓ સ્મિતકુમાર હરસુખભાઈ, મનીષભાઈ છગનભાઈ, હરિભાઈ રવજીભાઈ, પ્રવીણભાઈ બચુભાઈ અને ભરતભાઇ નાગજીભાઈ ગજેરા ઉપરાંત મહિલા અગ્રણીઓ બંસીબેન હરસુખભાઈ ગજેરા, ધર્મિષ્ઠાબેન નટુભાઈ ગુજરાતી, પ્રિન્સીબેન નંદલાલભાઈ ગજેરા, યશ્વીબેન ચેતનભાઈ વેકરીયા અને પૃષ્ટિબેન અરૂણભાઇ ગજેરાએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ચોકલી ગામે એકજુથ થઈને આ જળ અભિયાનને વધાવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *