2 ડીસેમ્બર, “રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ”

પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર
પ્રકૃતિ, ઈશ્વરની પ્રતિકૃતિ
પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. ગ્લોબલ વૉર્મિંગ, મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાનનું વધવું વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ થાય છે. આ સમસ્યાઓનું મૂળ તો મુખ્યત્વે પ્રદુષણ જ રહે છે. જળ, જમીન, વાયુ અને હવે તો લાઈટ અને નોઈસ પોલ્યુશન પણ એટલાં જ ચર્ચાઓમાં છે. આપણે આપણું જીવન સરળ બનાવવા માટે વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ. આ સાધનો આપણી જીવન શૈલી તો સુધારે છે પણ જીવન જીવવાની પદ્ધતિને વિખેરી જાય છે. આમાંથી પ્લાસ્ટિકની સમસ્યા ઘણી મોટી સમસ્યા પુરવાર થઈ છે.
પ્લાસ્ટિક એ આજની સૌથી વધુ વપરાતી સામગ્રીમાંની એક છે.આજે પ્લાસ્ટિક બેગ તાકીદની જરૂરિયાત બની ગઈ છે. તેના અનુકૂળ સ્વભાવને કારણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. રોજિંદી પ્રવૃત્તિઓથી સંબંધિત બધી પ્રવૃત્તિઓમાં પ્લાસ્ટિકની ભૂમિકા હોય છે. મોબાઇલ, ટીવી, ફ્રિજ, એસી, ખુરશી, ટેબલ, કમ્પ્યુટર વગેરે જેવી સંખ્યાબદ્ધ વસ્તુઓ છે જે પ્લાસ્ટિકની બનેલી હોય છે, પરંતુ પ્લાસ્ટીક એ નાશ ન થઈ શકે તેવું પ્રદૂષણ છે અને તે જમીન, પાણી અને હવાને પ્રદૂષિત કરે છે એટલે કે સમસ્ત પયૉવરણને નુકસાન કરે છે. ગમે ત્યાં ફેકી દીધેલી પ્લાસ્ટીકની થેલીઓ અન્ય ખોરાકની સાથે ખાઈ જવાથી અનેક પશુઓ પણ મોતને ભેટે છે અને આ મૃત પશુઓનાં અવશેષો નાશ પામ્યા બાદ પણ પ્લાસ્ટીક જેમનું તેમ રહે છે. પ્લાસ્ટીકનો નાશ થતાં ઘણા વર્ષ લાગે છે. તેને બાળવાથી પણ તે પયૉવરણમાં ડાયોકસીન સહિત હાનિકારક વાયુઓ છોડે છે. પયૉવરણ માટે ભારોભાર નુકસાનકારક એવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જાગૃત નાગરિક તરીકે પયૉવરણ અને આરોગ્ય માટે ખુબ જ હાનિકારક એવા પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ ટાળીને દરેક વ્યક્તિ પયૉવરણને બચાવે તે હાલનાં ગ્લોબલ વોર્મિંગનાં સમયની માંગ છે. માટે જેમ બને એમ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળીને કાપડની બનેલી થેલીઓનો જ ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો, જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષીને પ્રાણવાયુ આપે છે. વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં જ થાય એ ખ્યાલમાંથી બહાર આવીને વધુમાં વધુ વૃક્ષોનું રોપણ કરવું આવશ્યક છે. જ્યાં ઈલેક્ટ્રોનિક તાર પસાર થતા હોય બરાબર તેની વચ્ચે વૃક્ષો ન વાવવા જોઈએ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. 50 વર્ષોમાં એક ઝાડ કુલ 17.50 લાખ ઓકિસજનનું ઉત્પાદન કરે છે, 35 રૂપિયાના પ્રદુષણનું નિયંત્રણ, 3 કિલો કાર્બનડાયોક્સાઈડનું શોષણ, 41 લાખ રૂપિયાના પાણીનું રીસાયકલીંગ, 3% તાપમાનમાં ઘટાડો કરે છે. એક વયસ્ક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદુષણ ને 300 ઝાડ મળીને શોષી શકે છે.
આ દિવસથી જ વન અને વન્યજીવો પ્રત્યે સૌમાં કરુણા ઉત્પન્ન થાય તેમજ પર્યાવરણીય સંપત્તિની જાળવણી થઈ શકે જેથી પૃથ્વી પરના સર્વે જીવો સુખેથી જીવન જીવી શકે. રોજબરોજની જીંદગીમાં પર્યાવરણની જાળવણી કરવા માટે કેટલાક ઉપાયો થઈ શકે છે.
જંગલો ન કાપવા જોઇએ. વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઇએ.
પાણીનો બગાડ ન કરવો જોઈએ.
પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ.
વીજળી, પેટ્રોલ – ડીઝલ બચાવવું જોઈએ.
કુદરત સાથે સકારાત્મક સંબંધ ધરાવતી ટેક્નિક્સ તથા એસેસરીઝનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે, ખેતરમાં ફર્ટીલાઇઝરની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ કરો.
શાકાહાર અપનાવવું જોઈએ.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































