અંજારના રાયમલ ધામ આશ્રમમાં 29 લોકોએ કર્યું સામુહિક ગોબર સ્નાન.
ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ (કચ્છી નવું વર્ષ) નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશી ગાય માતાના ગોબરથી પધ્ધતિસરનું સ્નાન કરવાથી શરીરને તાત્કાલિક તાજગીના અનુભવ સાથે ચામડી સહિતના અનેક પ્રકારના કયા કયા રોગોમાં લાભ થાય છે તેની સંપૂર્ણ પ્રમાણિત માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, વિદેશમાં ગાય સાથે માત્ર સમય વિતાવવાના હજારો રૂપિયા ખરચવા પડે છે, ગાયના ગોબરના છાણાં પણ મોટા મોલ માં બહુ ઉંચી કિંમતે વેચાય છે અને સાઉદી અરેબિયા જેવા આરબ દેશમાં ભારતથી દેશી ગાયના ગોબરનું ખાતર મોટે પાયે નિકાસ થાય છે. પરંતુ અહીં દેશી ગાય, તેનું ગોબર અને ગોમુત્ર સહિત ગોવંશ આધારિત પંચગવ્યની દરેક વસ્તુઓ સહેજે ઉપલબ્ધ હોવા છતાં આપણે તેનાં અનેક લાભોથી વંચિત થઈ રહ્યા છીએ ત્યારે એ દિશામાં પરત ફરવા સંઘની ગોસેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છ અને રાયમલધામ, અંજારના સંયુક્ત ઉપક્રમે કચ્છી નવું વર્ષ અષાઢી બીજનાં એક નવતર પ્રયોગ તરીકે સામુહિક ગોબર સ્નાનનું આયોજન કરાયું હતું. જાણીને નવાઈ લાગે પણ તબીબ, વકીલ, ઉદ્યોગપતિ, ખેડૂતો, ગોપાલકો અને કથાકાર સહિતના અંજાર શહેર અને આસપાસના વિસ્તારના 29 લોકો હોંશભેર આ સામુહિક સ્નાનમાં જોડાઈને તેના શારીરિક અને માનસિક લાભો જાણવા સાથે તાત્કાલીક તાજગીનો અનુભવ કર્યો હતો. ગૌ સેવા ગતિવિધીના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક અને 80 થી વધુ ગોબર ઉત્પાદન સાથે તેનાં વેચાણ અને પ્રશિક્ષણમાં નિપૂર્ણ મેઘજીભાઇ હીરાણના જણાવ્યા અનુસાર, ગોબર સ્નાન આયુર્વેદની પરંપરાગત પદ્ધતિ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા, ત્વચાને સ્વસ્થ રાખવા અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. જ્યારે રાયમલધામ આશ્રમના ધનેશ્વર શાસ્ત્રીજીએ ગોબર સ્નાનનાં શાસ્ત્રોક્ત મહત્ત્વની વિગતે સમજ આપી હતી. ગતિવિધીના સૌરાષ્ટ્ર પ્રાંતના સદસ્ય દીપકભાઇ પટેલે પોતાના અનુભવને આધારે જણાવ્યું કે ગૌ ઉત્પાદનોનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી થતો આવ્યો છે. ગોબર સ્નાનથી શરીરની અંદરની ગરમી ઓછી થાય છે અને મન શાંત થાય છે. સહભાગીઓએ આ અનુભવને અનોખો અને ઉર્જાદાયી ગણાવ્યો હતો. પધ્ધતિસરના ગોબર સ્નાનમાં મુખ્ય ઘટક તરીકે દેશી ગાયનું ગોબર અને સાથે ચંદન પાવડર, ગાયનું ઘી, દૂધ, દહીં અને ગૌમૂત્રનું મિશ્રણ તૈયાર કરી શરીરે લેપ કરીને મિશ્રણને ઘસીને લગાડવામાં આવે છે. ત્યારબાદ ગાયના પગની ખરીની રજથી સ્નાન કરાય છે અને ત્યારબાદ શુધ્ધ પાણીથી સ્નાન કરવામાં આવે છે. અગાઉ ગોબરનું નામ માત્ર સાંભળીને જેમને સુગ ચડે તેવા લોકો રાયમલ ધામની ગોશાળામાં ગાયોના સાનિધ્યમાં પોતાના શરીરે હોંશભેર ગોબરને રગડીને થાકતા નહોતા અને આ પ્રયોગના અંતે અનોખી શાંતી અને આનંદનો અનુભવ થતાં હવેથી દર મહિને એકવાર આ રીતે ગોબર સ્નાનનું આયોજન કરવા સાથે નવાં લોકોને પણ આયોજનમાં જોડવાની ઈચ્છા વ્યક્ત કરાઈ હતી.
-મેઘજીભાઈ હિરાણી (મો. 9428081175)