12 જૂન, “બાળ-મજુરી વિરોધ દિવસ”

બાલવંદના એટલે ગોપાલવંદના
આજનાં બાળકો આવતીકાલનું ભારત બનાવશે – ચાચા નહેરુ
વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ મજુર સંગઠન, યુનાઇટેડ નેશન્સ દ્વારા 12 જૂનનો દિવસ “બાળ-મજુરી વિરોધ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. તેનાથી લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવાઈ રહ્યું છે. કોઈ પણ બાળકને પુખ્ત થયા પહેલા બાળ-મજુરીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, સાધારણ વિકાસ, રમત-ગમત તેમજ મનોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા બાળકો ગુનાખોરી કે વ્યસનની લતે પણ ચડી જતા હોય છે. ભણવાની ઉંમરે બાળકો ઘરકામ, ચાની કીટલી કે હોટલમાં મજુરી, જોખમી ઔદ્યોગિક કામોમાં લાગી જતાં હોય છે. ખેતીકામ, ગૃહઉદ્યોગ, ઢોર ચરાવવા
જેવા કામો પણ અનેક બાળકોએ કુમળી વયમાં
કરવા પડે છે. આ તમામથી અતિ ગંભીર એવા ભીખ માગવામાં અને કેટલાક કિસ્સાઓમાં ડ્રગ-ટ્રાફિકિંગ માટે પણ બાળકોનો ઉપયોગ થાય છે અને વળી, બાળકીઓના કિસ્સાઓમાં નાની ઉમરમાં વેશ્યા-વૃત્તિ જેવા અતિ નિમ્ન કક્ષાનાં કાર્યો બળજબરીથી કરાવાય છે જે સમાજ માટે કલંક સમાન છે. બાળમજૂરીને અટકાવવા માટે અનેક નીતિ નિયમો બનાવવમાં આવ્યા છે, પણ હજુ સુધી દેશમાં બાળમજૂરી નાબુત થઈ શકી નથી. “બાળ-મજૂરી વિરોધ દિવસ” એ ફક્ત ઔપચારિક્તા ન રહેતા સાર્થક કાર્ય બને તે જોવાનું દરેક જાગૃત નાગરિકનું નૈતિક કર્તવ્ય છે. બાળમજૂરીને સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ, બાળમજૂરી વિરોધનાં કાયદાઓ વધુ કડક બનાવવા જોઈએ જેથી આ બાળમજૂરીનો વ્યવસાય ખતમ થઈ શકે. બાળકોનાં સારા ઉત્તમ ભવિષ્ય માટે શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ એટલું જ નહીં શિક્ષણ નાનામાં નાના વર્ગનાં લોકોનાં બાળકો સુધી પહોંચે તેવા પ્રયાસો સતત કરવા જોઈએ. જેથી લોકોમાં જાગૃતિ આવશે અને બાળમજૂરી સંપૂર્ણપણે બંધ થશે. બાળકો એ દેશનું ભવિષ્ય છે જો તેમને યોગ્ય શિક્ષણ મળશે તો દેશનું ભવિષ્ય પણ ઉજળું થશે.
-મિત્તલ ખેતાણી(મો. 98242 21999)



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































