#Blog

મથુરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક, સ્મૃતિ વન અને ગૌશાળા ફાર્મસીની મુલાકાત લેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને GCCI ના સ્થાપક ડૉ.વલ્લભભાઈ કથીરિયા

તાજેતરમાં RSS ની ગૌ સેવા ગતિવિધિની રાષ્ટ્રીય બેઠક પંડિત દીનદયાળ ઉપાધ્યાય અનુસંધાન કેન્દ્ર પરખમ, મથુરા માં મળી હતી. તે દરમ્યાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મભૂમી ફરાહ ગામ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક, સ્મૃતિ વન અને પંડિત દીનદયાળ ગૌશાળા ફાર્મસીની પૂર્વ કેન્દ્રીય મંત્રી અને GCCI ના સ્થપાક ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ મુલાકાત લીધી હતી. આ સ્થળ એકાત્મ માનવવાદ અને અંત્યોદયના સિદ્ધાંતોને સાકાર કરવા માટેનું પ્રેરણાસ્ત્રોત છે, જ્યાં ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે ડૉ.કથીરિયાએ કહ્યું,”પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જીવન અને તેમનું ચિંતન આપણને શીખવે છે કે રાષ્ટ્ર નિર્માણનું મુખ્ય ધ્યેય અંતિમ વ્યક્તિ સુધી સુખ-સમૃદ્ધિ પહોંચાડવાનું હોવું જોઈએ. તેમનો એકાત્મ માનવવાદનો સિદ્ધાંત આપણને ગામડાં અને વંચિત વર્ગોને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપે છે.”
ડૉ.કથીરિયાએ પંડિત દીનદયાળ ગૌશાળા ફાર્મસીની મુલાકાત લીધી, જ્યાં ગોબર અને ગૌમૂત્ર પરથી પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉત્પાદનોનું નિર્માણ થાય છે. અહીં પંચગવ્ય આયુર્વેદિક દવાઓ, જૈવિક ખાતર, ધૂપબત્તી, સાબુ અને અન્ય ગૌ આધારિત ઉત્પાદનો બનાવવામાં આવે છે. તેમણે આ પ્રકલ્પની પ્રશંસા કરી અને જણાવ્યું,”આ ગૌશાળા ફાર્મસી પંડિત દીનદયાળજીની વિચારધારાનું જીવંત ઉદાહરણ છે. ગોબર અને ગૌમૂત્ર આધારિત ઉદ્યોગો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી શકે છે. આ ઉત્પાદનો માત્ર પર્યાવરણ માટે હિતાવહ નથી, પણ આધુનિક જીવનશૈલી માટે પણ અત્યંત ઉપયોગી છે.” તેમણે ખેડૂતો, ગૌસેવકો અને ઉદ્યોગસાહસિકોને ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ અને સ્વદેશી ઉત્પાદનો તરફ આગળ આવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ પ્રકલ્પ ગૌ આધારિત ઉદ્યોગો, જૈવિક ખેતી અને ગ્રામીણ સ્વાવલંબન માટેનું ઉત્તમ ઉદાહરણ છે.
ડૉ.કથીરિયાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે એકાત્મ માનવવાદ દ્વારા આપણને આર્થિક વિકાસ સાથે સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના સંવર્ધન દ્વારા રાષ્ટ્રને સમૃદ્ધ કરીએ. તેમણે ઉમેર્યું, “સ્વદેશી ઉત્પાદનો, ગૌ આધારિત કૃષિ અને ગ્રામિણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીના અભિયાન ‘વોકલ ફોર લોકલ’ ને વધુ મજબૂત બનાવી શકાશે.”
ડૉ.કથીરિયાએ જણાવ્યું કે મથુરામાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારકમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન, સિદ્ધાંતો અને કાર્ય વિશે ઉંડાણપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. અહીં યુવાઓ માટે પ્રેરણાદાયી શિલાલેખ અને ચિત્રો મૂકવામાં આવ્યા છે.
ડૉ.કથીરિયાએ તમામ ગૌસેવકો, ખેડૂતો અને રાષ્ટ્રપ્રેમીઓને સંદેશ આપતાં જણાવ્યું કે “ગૌ સેવા એ રાષ્ટ્ર સેવા છે. જો આપણે ગૌ માતાની રક્ષા કરીશું, તો આપ મેળે કૃષિ વ્યવસ્થા, પર્યાવરણ અને ગ્રામિણ અર્થતંત્ર મજબૂત બનશે.” તેમણે અંતમાં સૌને ગૌ આધારિત જીવનશૈલી અપનાવવા, જૈવિક ખેતીને પ્રોત્સાન આપવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે જામનગર ના પર્યાવરણ અને ઉર્જા ક્ષેત્રે કાર્યરત એવા શ્રી સિદ્ધાર્થભાઈ વ્યાસ પણ સામેલ હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *