માનવમંદિર સાવરકુંડલામાં ૯મી જૂનેમોરારીબાપુના હસ્તે છાત્રાલયનું ઉદઘાટન

અની અખાડાના મહામંડલેશ્વર રાજેન્દ્રદાસ બાપુ સહિત સાધુ સંતોની ઉપસ્થિત રહેશે
સાવરકુંડલા થી પાંચેક કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર નાનકડી પર્વતમાળાની ટેકરીઓમાં મનોદિવ્યાંગ દીકરીઓની સેવાનું સરનામું બની ગયેલા માનવ મંદિરમાં હવે એક નવી સેવાનો ઉઘાડ થઈ રહ્યો છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં રામજી મંદિર અને શિવાલયની સેવા કરતા પૂજ્ય પુજારી સંતોના સંતાનોને શિક્ષિત અને દીક્ષિત કરવા માટે એક છાત્રાવાસની વિનામૂલ્યે સેવા આગામી તારીખ ૯ જુનના રોજ પૂજ્ય મોરારિબાપુના કરકમળોથી લોકાર્પિત થવાની છે. માનવમંદિરના સેવા ભેખધારી પુ. ભક્તિરામબાપુ શિક્ષણમાં જે વંચિત છે તેવા દીકરા દીકરીઓને દીક્ષિત કરવા માટે હવે નવો સમર્પણ સેતુ બાંધી રહ્યાં છે. માનવ મંદિર ગુરુકુળ છાત્રાલયનું લોકાર્પણ આગામી તારીખ ૯ જૂન ના રોજ સવારે ૯:૦૦ કલાકે માનવ મંદિર સાવરકુંડલા ખાતે પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે અને અની અખાડાના વડા મહામંડલેશ્વર પુ.રાજેન્દ્રદાસ બાપુ -રામપરાની વિશેષ ઉપસ્થિતિમાં થનાર છે.ગુજરાતમાં કદાચ પહેલું એવું છાત્રાલય ઉદઘાટિત થઈ રહ્યું છે કે જેમાં ગામની દેવસેવામાં જોડાયેલાં અને સમર્પિત પુજારીશ્રીઓના સંતાનોને વિનામૂલ્યે નિવાસ વ્યવસ્થા ગોઠવવા માનવ મંદિર પગરણ કરી રહ્યું છે.તારીખ ૮ અને રવિવારના રોજ સાધ્ય કાર્યક્રમ સંતવાણીનું આયોજન પણ છે. સોમવારે સવારે છાત્રાલય ઉદઘાટનમાં સમગ્ર જિલ્લા –રાજ્યના વરિષ્ઠ નાગરિકો, આગેવાનો, રાજકીય મહાનુભાવો, વિદ્વાનો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સૌને આ કાર્યક્રમમાં પધારવા માટે માનવ મંદિર પરિવાર તરફથી જાહેર આમંત્રણ છે. ગુજરાત સૌરાષ્ટ્રની દેહાણ્ય જગ્યાઓના સંતો -મહંતો પણ વિશેષ દર્શનનો લાભ આપશે.