મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.14 જાન્યુઆરી, બુધવારના રોજ મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નીમીતે કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઊજવવામાં આવે છે. તે આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને ‘મકરસંક્રાંતિ’ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઊઠે છે. મકરસંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતાં હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે.
મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગયુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઠેરઠેરથી ‘કાટા…’ ‘કાટા…’ ‘લપેટ…’ ‘લપેટ…’ ની બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે.
આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુ દાનમાં આપે છે. તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે.
‘મકરસંક્રાંતિ’નિમીતે રાજ્યના કતલખાના, ઈંડા, માંસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ દિવસની પવિત્રતા ધ્યાનમાં લઈને જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત જનતા વતી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ દ્વારા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































