#Blog

વીરદાદા જશરાજની પુણ્યતિથિ: ગૌભકિતની અનુપમ કથા

ભારત દેશમાં ગૌ માતા માટે પ્રાણ ન્યોછાવર કરનારા અનેક વિરલાઓને વંદન. તા. રરમી જાન્યુઆરી દાદા જશરાજનો મહાપ્રયાણ દિન છે. પ્રચંડ પ્રભાવિક વીર યોદ્ધા મહા માનવ દાદા જશરાજે તા. રર-૦૧-૧૦૫૮ રોજ ગૌરક્ષા કાજે શહીદી વહોરી, તે દિવસને લોહાણા (લોહરાણા) સમાજ દ્વારા આર્શીવાદ માટેના ખાસ દિવસ અને સમુહ પ્રસાદ-ભોજન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો ભેદભાવ વગર જોડાઈને દાદા જશરાજને શ્રધ્ધાંજલી અપી તેમના બલિદાનને ગૌરવપૂર્વક યાદ કરે છે.
જયારે જયારે વસુંધરા ઉપર અધર્મીઓ કે વિધર્મીઓનો ત્રાસ અબોલ કામધેનું સમાન ગૌમાતાઓ પર થાય છે ત્યારે અધર્મીઓના નાશ માટે દાદા જશરાજ જેવા વીરપુરૂષોનો આ અવની ઉપર જન્મ થાય છે. ગૌહત્યા થતી રોકવા અને સમાજમાં ફેલાતી અરાજક્તાના સમયે વસ્તુપાળ અને માતા રન્નાદે ઠકરારના ખોળે દાદાનો જન્મ થાય છે. ૧૧ મી સદીમાં મધ્યભાગ સુધી લોહરાણા (લોહાણા) ઓએ અણનમ યૌદ્ધાઓની માફક સંગઠીત થઈને વિધર્મી દુશ્મનોના મુળીયા ઉખેડી નાંખેલ. હિંગળાજ માતાજીની ઉપાસના કરતા લોકોની લાજ લોહરાણાઓએ રાખેલ.
દાદાની જન્મભૂમિ લાહોર. અફઘાનીઓ લોહરાણા સામે લડી લડીને થાકી ગયા કેમ કે ૧૧ મી સદીમાં દાદા જશરાજ જેવા લોકનેતાઓએ લોહરાણાઓને ખૂબ જ સંગઠીત કર્યા હતા. તક્ષશિલા, લેહ, લદાખ, સામ્બકોટ, બીજકોટ, ઉન્ડકોટ વિગેરે લાહોર ચોવિસીમાં હિન્દુસ્તાનની સરહદે આવેલા પ્રાંતોનું સરહદનું રક્ષણ લોહરાણાઓ કરતા હતા. પરંતુ પ્રાચિન કાળથી ભારતની આર્થિક સમૃધ્ધિ અને ધાર્મિક જાહોજલાલી જોઈને આરબો, તુર્કીઓ તેમજ ઈરાની શાસકોએ જ્યારે જયારે તક મળી ત્યારે લુંટના ઈરાદે હુમલાઓ કરેલા, જેની સામે પડી, ત્રણ સદી સુધી સરહદી સંત્રીઓ, તેમજ લોહારાણાઓએ આર્યવ્રતનું પાલન કરી, પરાક્રમ, ખુમારી, શોર્ય અને એકતાથી ભારતીય સંસ્કૃતિનું અભૂતપૂર્વ રક્ષણ કર્યુ હતું.
દાદા વસ્તુપાળ અને એમની સેનાએ મહમદ ગઝનીને સરહદેથી ખદેડી મુક્યો હતો. મહમદ ગઝનીના પુત્ર જલાલુદીનને દાદા વસ્તુપાળ અને હરપાળે મારી ભગાવ્યો હતો. જલાલુદીનના નોકર ફિોજખાને કાબુલ-કંદહારની હદમાં છાવણીઓ નાખી દગો, ફટકો અને કપટ કરી સમાધાન ના નામે દાદાભીસ્મ હરપાળને બોલાવી તેમની પાછળ ઘા કરી હત્યા કરી નાખી. તે વખતે હરપાળની મદદે અપંગ યોદ્ધા વીર વચ્છરાજે સામી છાતીએ લડીને ફિરોજખાનને મારી નાંખી પૃથ્વી ઉપરનો ભાર હળવો કર્યો. પરંતુ વેરની આગમાં જલી રહેલા વિધર્મીઓએ યુધ્ધના નિયમ વિરૂદ્ધ રાતના અંધકારમાં સિંધુ ખેતના કિલ્લા પર છુપો છાપો માર્યો. એટલું જ નહીં પોતાના સૈન્યની સાથે સાથે ગૌમાતાઓને પણ ભેળવી દેવામાં આવી. આથી નાછુટકે અને નાઈલાજે ગૌ માતાઓનું રક્ષણ કરવા માટે હાથોહાથની લડાઈનો જંગ જામ્યો. આ સત્યકથાની સૌથી આશ્ચર્ય બાબત એ છે કે આ જીવ-સટોસટના જંગમાં લોહરાણીઓ પણ ઝંપલાવે છે અને વિશ્વના ઈતિહાસમાં વિરલ વિરાંગનાપણું પણ કહી શકાય તેવું નારી વિસંગતતા પણ પ્રગટ થાય છે. લોહરાણી હરકોર, બિજલ, બ્રજકોર, લક્ષ્મી અને જયકુંવરની આગેવાની હેઠળ હજારો લોહરાણી મહિલાઓએ યુધ્ધ જીતી દેખાડયું. મહારાણા વસ્તુપાળની શહિદીનો બદલો લીધો. દાદા જશરાજના બે ભાઈઓએ પણ શહિદી વહોરી લીધી. તેમની બે બહેનો હરકુંવર અને કેશળીબાળા પણ નાની વયે સિંહના મુખમાંથી ગૌમાતાને મુક્ત કરતા – કરતા મોતને ભેટયા હતા. આવા બહાદુર કુટુંબ માં દાદા જશરાજનું પાલન પોષણ થયેલું. રાજપાઠની જવાબદારી વીર દાદા જશરાજનાં શીરે આવી. તે વખતે દાદાની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. એ વખતે કુલગુરૂ સ્વામી રત્નેશ્વરજી દાદા જશરાજને હરએક પ્રકારે તાલીમઆપી કારભારની જવાબદારી સોંપે છે.
કાચી ઉંમરે રાજ્યારોહણ થયેલું છતાં દાદા જશરાજ પોતાનો મહારાણા મુગટ અને રાજ દંડને સિંહાસન ઉપર મૂકી લાહોરને પ્રજાસતાક રાજ્ય જાહેર કરે છે અને પ્રતિજ્ઞા કરે છે કે ” વતન ઉપર છવાયેલી વિધર્મીઓની હીનવૃતિઓ અને મલીન શાસકોનો ઝડમૂળથી વિનાશ કરવામાં આવશે”. આ વીર દાદા જશરાજ એટલે રાજયના છેલ્લા શાસક. તેમની યશસ્વી, ભવ્ય અને તેજસ્વી શૌર્ય ગાથા આલેખવાનો અને તેમની વન ઝરમરનો આછેરો અણસાર આપવાનો પ્રયાસ છે.
આ મહાન ગૌપ્રેમી, પરાક્રમી અને વીર પુરૂષનું અપ્રતિમ શોર્ય અને હિંમત જોઈને અફઘાનીઓ તંગ આવી ગયા. તેમને યેનકેન પ્રકારે મારી નાખવા સંસદ બોલાવીને દાદા જશરાજના માથા માટે બે લાખ અશરફીનું ઈનામ જાહેર કર્યુ. આ સમાચાર સાંભળી દાદા પોતાના વિશ્વાસુ સાથીદાર એવા સિંધુ શર્મા સાથે કાબુલ નરેશના ભરદરબારમાં પહોચે છે અને એના જ દરબારમાં એને હણીને લાહોરનો ધ્વજ ફરકાવે છે આ રીતે પોતાના પિતાની ઈચ્છાપૂર્તિ કરી પિતૃઋણ અદા કરે છે. જગતના ઈતિહાસમાં આ એક વિરલ ઘટના છે, કારણ કે વિશાળ સૈન્ય અને યોદ્ધાઓ ધરાવતા શાહી દરબારમાં જઈને તેને પડકારી સામી છાતીએ લડવું તે નાનીસુની વાત ન હતી. આજે પણ દાદા જશરાજની વિરતા ગાતુ અને દાદાએ ફેકેલ ભાલાનું નિશાન બતાવતું વિધાયેલું સિંહાસન કંદહારના મ્યુઝીયમમાં રાખવામાં આવેલું છે. પ્રચંડ વીરતા અને નિડરતાને વરેલા વસ્તુપાળના અને રણચંડીનું રૂપ ધારણ કરીને સેકડો વિધર્મી-અધર્મીઓને એકલે હાથે મોતને ઘાટ ઉતારનાર માતા રન્નાદે ઠકરારના શિલાલેખો તૈમુરના જંગલોમાં આજે પણ મૌજુદ છે. આજ રન્નાદે – રાંદલમા તરીકે સર્વત્ર પૂજાય છે. જે મનની માંગણીઓ અને ઓરતા, લાગણી અને લાડકોડ પ્રેમભાવથી પુર્ણ કરે છે.
ત્યાર બાદ દાદાએ કુટુંબમાં, સમાજમાં અને રાજયોમાં ભાઈ ભાઈ વચ્ચેના નાના-મોટા મનદુ:ખો દૂર કરાવી લોહીના સંબંધની સાચી ઓળખાણ કરાવી જબરૂ સામાજિક સંગઠન ઉભુ કર્યુ અને પરસ્પર પ્રેમ-ભાવ વધારવાનું વિરલ કાર્ય કર્યુ. સંઘ શકિત કલો યુગે… એ કહેવતને યર્થાથ ઠરાવીને દાદાએ દુશ્મનોની મેલી મુરાદોને માટીમાં મેળવી. મંગોલિયાના રાજા પહ્મદેવ સારસ્વતના અનોખા બલિદાન બાદ કિલ્લાનો દરવાજો ખોલતા જ દાદા જશરાજે યુધ્ધમાં તલવારના એક જ ઝાટકે ચંગીઝખાનનું માથું ધડથી નોખું કરી નાખ્યું હતુ, જેનો પણ તૈમુરના જંગલોના શિલાલેખમાં ઉલ્લેખ છે.
૨૪ વર્ષે ઉંડકોટના રાજા રઘુપાલની દિકરી સૂર્યકુમારી સાથે વસંત પંચમીના રોજ દાદા જશરાજના લગ્ન નિર્ધારેલા હતા. આ સમાચારથી અકળાયેલા વિધર્મીઓ, ઈરાનીઓ, આરબો અને ગીઝનીઓએ એકત્રીત થઈને, ના-પાક કાવત્રુ રચી, લગ્નના દિવસે ગૌમાતાઓના સમુહને લૂંટારૂઓના સ્વાંગમાં લૂટયા અને ગૌ હત્યા કરવા લાગ્યા. આથી સમગ્ર પ્રાંત અને પ્રદેશમાં હિંદુઓની લાગણીઓ ખુબ દુભાણી, પરંતુ દાદાના જમણા હાથ સમાન સિંધુ શર્માએ (જે આજે ધરાદેવ તરીકે પુજાય છે) દાદા જશરાજને લગ્નમાં ખલેલ ન પહોચે એટલે ખાનગીમાં થોડા બાહોશ પણ મુઠ્ઠીભર સૈનિકોને લઈને ગૌ લૂટારાઓનો પીછો કર્યો અને ગૌ માતાને છોડાવી. પરંતુ તરંગાઈ નદીની ખીણ પાસેના ડુંગરાળ જંગલમાં સમશુદીને દગા-ફટકાથી સાજીસ રચીને પાછળથી હુમલો કર્યો, જેમાં સિંધુ શર્મા પોતાનો સ્વ-બચાવ ન કરી શકયા અને વિરગતીને પામ્યા. વિધર્મીઓ સિંધુ શર્માની લાશને ઘોડા ઉપર લટકાવીને જયાં દાદાના પરણેતરા ચાલતા હતા ત્યાં ઘાયલ ઘોડા સાથે મોકલે છે. આ દશ્ય જોઈને દાદા વ્યથિત અને ક્રોધિત થાય છે, મંડપ મધ્યે પહેરેલો સાફો ઉતારી, સ્વસુર પક્ષની બે હાથ જોડી વિદાય લઈ, પોતાના પ્રિય અશ્વલાલુ સાથે, તલવાર, ભાલા, ઢાલ, બખ્તર લઈ સવાર થઈને જંગે ચડયા અને મુખ્ય કાવત્રાખોર સમશુદીનનો ખાત્મો બોલાવ્યો. દુશ્મન દળોએ ફરીથી દગો અને કાવત્રુ કર્યુ. એક વિધર્મી ભારતીય સૈનિકોનો બનાવટી વેશ ધારણ કરી ઠાકુરના પહેરવેશમાં આવ્યો અને પ્રપંચથી દાદા ઉપર પીઠ પાછળથી કરેલા ઘા દવારા દાદાના મસ્તકને કાપી ધડથી અલગ કરી નાખ્યું. કપાયેલું ધડ બે દિવસ સુધી લડતું રહયું. આ પરમ શકિતના અવતારને શાંત કરવા માટે, ધડ ઉપર પવિત્ર જળ છાંટી લોહરાણા સરદારોએ પ્રતિજ્ઞા કરી કે “હવેથી લોહરાણાઓ લગ્ન સમયે સફેદ પાઘડી ધારણ કરશે અને તેના ઉપર કંકુ-ચોખાના છાંટણા કરશે.” જયારે લોહરાણીઓએ સફેદ પાનેતર પહેરી દાદા-જશરાજની શહિદીનો અંતરથી શોક મનાવ્યો. ત્યારે દાદાનું ધડ શાંત થયું.
આવા કલ્યાણકારી, પરમ પાવક, ગૌભકત અને લોહાણા સમાજના ઈષ્ટદેવ દાદા જશરાજનું તા. રર-૦૧-૧૦૫૮ના રોજ અવસાન થયું. દાદાનો પ્રિય અશ્વ લાલુ, પ્રિય સેનાપતિ સિંધુ શર્મા અને ત્યાર બાદ દાદાનું પૂજન થાય છે. આજના દિવસે ગૌ-માતાની સેવા કરવી, ગાયોના ઉત્કર્ષ માટે કાર્ય કરવું એ આ ત્રણેય વિભુતિઓનું તર્પણ કરવા બરાબર છે. ધન્ય છે ભારતના ગૌ -ભકત શહિદોને. આજે પણ લોહાણા સમાજના અનેક નામી અનામી ગાય માતાની સેવા-પૂજામાં પ્રવૃત છે તેવા ગૌપ્રેમીઓ – ગૌભકતો- ગૌસેવકોને લાખ લાખ વંદન સહ દાદા જશરાજને નમન.
।। વંદે ગૌ માતરમ્ ।।

ડો. વલ્લભભાઈ કથીરિયા
પૂર્વ મંત્રી,ભારત સરકાર
પૂર્વ ચેરમેન – રાષ્ટ્રીય કામધેનુ આયોગ
ચેરમેન – GCCI

Leave a comment

Your email address will not be published. Required fields are marked *