#Blog

યુનિવર્સલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિન મહોત્સવ એટલે વ્યક્તિત્વ વિકાસ દ્વારા વિકસીત ભારતનો સંકલ્પ કરવાનો પવિત્ર અવસર : ડો.વલ્લભભાઈ કથીરિયા

રાજકોટ મધ્યે માયાણી ચોક સ્થિત યુનિવર્સલ સ્કૂલ કેમ્પસમાં ભારત વર્ષના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવસભર, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત રીતે કરવામાં આવી. આ અવસરે ભારત સરકારના પૂર્વ મંત્રી તથા પ્રખર રાષ્ટ્રસેવક ડૉ. વલ્લભભાઈ કથીરિયાના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું. સલામી બાદ જન – ગણ – મન રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું, સમગ્ર રાષ્ટ્રીય ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકવર્ગ, સંચાલકમંડળ તથા ઉપસ્થિત મહેમાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર શાળા પરિસર દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાથી ગુંજી ઉઠ્યો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોને સંબોધન કરતાં ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે પ્રજાસત્તાક દિન આપણને ભારતના સંવિધાન દ્વારા પ્રદાન કરાયેલા અધિકારો સાથે-સાથે ફરજોનું પણ સ્મરણ કરાવે છે. ડૉ. કથીરિયાએ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કાળથી શિસ્ત, અનુશાસન, સત્ય, અહિંસા, કરુણા, રાષ્ટ્રભક્તિ, સેવા અને આધ્યાત્મિકતાના સંસ્કારની કેળવણી પર ભાર મૂકવા ઉદાહરણો સહિત અનુરોધ કર્યો હતો. વ્યક્તિત્વ વિકાસ દ્વારા જ વિકસિત ભારત 2047 નું સ્વપ્ન સાકાર વર્તમાન યુવા પેઢી દ્વારા જ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા, પોતાની રૂચીના વિષયમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા, ભારત માતાને આરાધ્ય દેવી માની તન, મનથી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સંકલ્પ કરવા પ્રોત્સાહિત કર્યા હતાં. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, સરકાર વલ્લભભાઈ પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર, સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, વીર સાવરકર, અશફાકુલ્લા ખાન, મેડમ કામા, સરદારસિંહ રાણા, શ્યામજીકૃષ્ણ વર્મા, લાલ – બાલ – પાલ ની ત્રીપુટી, રાણી લક્ષ્મીબાઈ, મહારાણી અહલ્યાબાઈ, લેડી ગાઇડીન લ્યુ અને બાલ શહીદોની સ્વતંત્ર અને સાર્વભૌમ ભારતની સંકલ્પના ને સાકાર કરવા રાષ્ટ્રભક્તિનો ઉન્માદ જગાવવા કટીબદ્ધ બનવા પ્રેરણા આપી હતી. તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા રચનાત્મક કાર્યોને ભારતીય વિરાસત વિશેષ સંવિધાનિક મૂલ્યો સાથે ભારતીય સંસ્કૃતિના આદર્શોને જોડીને રાષ્ટ્ર નિર્માણમાં કર્મયોગી બની યોગદાન આપવાની અપીલ કરી હતી.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરણાદાયક દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂઆતો કરવામાં આવી હતી. શાળાના સંચાલકશ્રી ડો.અરુણભાઈ સુરાણી, પ્રિન્સીપાલ શ્રીમતિ મનીષાબેન, સમાજસેવક અગ્રણી શ્રી રમેશભાઈ લાઠીયા એ મુખ્ય અતિથિ ડૉ. વલ્લભભાઈ કથીરિયાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે તેમનું માર્ગદર્શન વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના સાથે-સાથે પ્રકૃતિ અને ભારતમાતા પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવામાં સહાયક બનશે. રાષ્ટ્રભક્તિ પૂર્ણ વાતાવરણમાં ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *