#Blog

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના પ્રયાસથી રાજકોટમાં  121 મું અંગદાન કરવામાં આવ્યું

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂત યુવાન જયેશભાઈ ગોંડલિયાનું અકસ્માત બાદ બ્રેઇન ડેડ તથા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી ગોંડલિયા પરિવારે અંગદાન કર્યું.

દર્દીનાં ધબકતા હૃદયને અમદાવાદ મોકલવામાં આવ્યું છે, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય વ્યક્તિની જિંદગી ફરીથી ઘબકશે.

રાજકોટ પંથકના એક યુવાન જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું બ્રેઈન ડેડ થતાં તેના હૃદય સાથે બે કિડની, લીવર અને આંખ સહિતનાં અંગોનું દાન કરી દુઃખમાં પણ પરિવારે દાનની મહાનતા બતાવી છે.

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ ગોંડલિયાને તા.18 ડીસેમ્બર ની સવારે અકસ્માત બાદ મગજની ગંભીર ઇજા થવાના કારણે તેઓ બ્રેઇન ડેડ જાહેર થયા હતા. આ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે પણ જયેશભાઈના કુટુંબીજનોમાં તેમના ધર્મપત્ની ભાવનાબેન, પુત્ર નિર્ભય, પુત્રી માહી, પિતાશ્રી મનસુખભાઈ, માતાશ્રી લાભુબેન તથા ભાઈઓ અરવિંદભાઈ તથા પ્રવીણભાઈએ અસાધારણ હિંમત અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં તેમના અંગદાન કરવાનો મહાન નિર્ણય લીધો હતો. આ નિર્ણયમાં તેમના સગા સંબંધીઓ દિપેશભાઈ રાજ્યગુરુ, ગોકુલેશભાઈ ગોંડલીયા, મનીષભાઈ ગજેરા, નવનીતભાઈ ભુવા, સંદીપભાઈ ઉંધાડ, સંજયભાઈ ચોવટીયા, સ્નેહલભાઈ ભટ્ટ તથા અન્ય મિત્રોઆ કપરી પરિસ્થિતિમાં પરિવારની સાથે ઉભા રહ્યા હતા.

બેઇન ડેડ ડીકલેરેશન માટે ડૉ. અનિકેત ગોકુલ હોસ્પિટલ ક્રીટીકલ કેર ટીમ તથા ન્યુરો ફિઝિશિયન ડૉ. કૌમિલ કોઠારીનો સહયોગ મળ્યો હતો.

સમગ્ર પ્રક્રિયા નેફોલોજીસ્ટ ડૉ. દિવ્યેશ વિરોજા અને તેમની ટીમમાં ડૉ શક્તિસિંહ ઝાલા, ડૉ આંનદ, ડૉ ધીરજ અને બી. ટી. સવાણી કિડની હોસ્પિટલની આઈ.સી.યુ. ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી. હદય માટે સીમ્સ હોસ્પિટલ તથા લીવર માટે ઝાયડસ હોસ્પિટલની ટીમ દ્વારા ઓર્ગન હાર્વેસ્ટ કરવામાં આવ્યા. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની બીટી સવાણી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરાયું હતું. સર્જીકલ ટીમમાં ડૉ. પંકજ ઢોલરીયા, ડૉ. સુનિલ મોટેરીયા, ડૉ. અમિષ મેહતા, ડૉ. સાહિલ ખાંટ તથા એનેસ્થેસિયા નિષ્ણાત ડૉ. પ્રતિક બુદ્ધદેવ તેમજ ટીમએ મહત્વનું યોગદાન આપ્યું. તેમજ ડૉ. હેમલ કણસાગરાની ટીમ દ્વારા ચક્ષુદાનની પ્રક્રિયા કરવામાં આવેલ.

બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડૉ. અમિત ગોહેલ, સી.ઓ.ઓ. ડૉ. વિશાલ ભટ્ટ તથા સી.એ.ઓ. શ્રી રશ્મિનભાઈ ગોર દ્વારા સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરવામાં આવ્યું.

બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન શ્રી જયંતીભાઈ ફળદુએ સમગ્ર પ્રક્રિયામાં હાજરી આપી સમગ્ર ટીમને પ્રોત્સાહિત કરેલ.

રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં દ્વારા આ 121 મું અંગદાન કરવામાં આવ્યું તેમજ હદયનું 7 મું અંગદાન થયું જે માટે અંગદાનના કાર્યક્ષેત્રમાં 20 વર્ષથી અવિરત યોગદાન આપનાર અને અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતની આગવી ઓળખ બનાવવા માટે કાર્યરત ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના ડૉ. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, મિતલ ખેતાણી, ભાવનાબેન મંડલી, વિક્રમ જૈન, ડૉ. તેજસ કરમટા,  ડૉ. અમિત ગોહેલ સહિતની ટીમ સમાજમાં વધુમાં વધુ અંગદાન અંગે જાગૃતિ ફેલાય તે માટે સતત કાર્યશીલ છે.

ડો.દિવ્યેશ વિરોજા, શ્રી હર્ષિતભાઈ કાવર, ડો.સંકલ્પ વણઝારા, ભાવનાબેન મંડલી, નીતિનભાઈ ઘાટલીયા, મનસુખભાઈ તલસાણીયા સહિત સભ્યો ખડેપગે રહી ઓર્ગન ડોનેશન પ્રોસેસ કરાવી હતી.

આ પવિત્ર નિર્ણયને અમલમાં મૂકવા માટે રાજકોટ સ્થિત બી.ટી. સવાણી હોસ્પિટલ ખાતે ઓર્ગન હાર્વેસ્ટિંગની પ્રક્રિયા કરી હતી. જીવનની છેલ્લી ક્ષણોમાં પણ અનેક અજાણ્યા જીવને નવી આશા આપવા જયેશભાઈનાં અંગ દાનરૂપે સમર્પિત થયા છે.

એક ખેડૂતના અકાળ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો છે, પરંતુ એ જ પરિવારનો આ સંવેદનશીલ અને મહાન નિર્ણય અનેક પરિવારોના જીવનમાં ખુશીના દીવા પ્રગટાવશે. જયેશભાઈ ગોંડલિયા આજે ભલે આપણા વચ્ચે નથી, પરંતુ તેમના અંગદાન દ્વારા તેઓ અનેક લોકોના જીવનમાં સદાય જીવંત રહેશે.

અંગદાન અંગેની વિશેષ માહિતી માટે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી (મો. 91063 79842) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *