#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય પ્રવૃત્તિને મોઢ વણિક સમાજનો સહયોગ

ડૉ. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રાજકોટના મોઢવણિક સમાજના અગ્રણીઓએ લીધી મુલાકાત

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો તૈયાર કરીને રાજ્યને ફરીથી નંદનવન બનાવવાના વિશાળ ઉદ્દેશ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ યોજાનાર ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે રાજકોટના સમગ્ર મોઢ વણિક સમાજના અગ્રેસરોએ મંગળવારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રેસકોર્સ સ્થિત મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈને ગીરગંગાની જળસંચય પ્રવૃત્તિને બિરદાવી હતી.

      ​આ પ્રતિનિધિ મંડળમાં મોઢ વણિક સમાજના અગ્રણીઓ શ્રી હિરેનભાઈ છાપ્યા, શ્રી ભાગ્યેશભાઈ વોરા, શ્રી કેતનભાઇ મેસવાણી, શ્રી કેતનભાઇ પારેખ, શ્રી જશુભાઈ મહેતા, શ્રી પ્રશાંતભાઈ ગાગડીયા, શ્રીમતી છાયાબેન વજેરીયા અને શ્રીમતી નીતાબેન પારેખ વગેરે જોડાયા હતા અને તેમણે ગીરગંગાની જળસંચયની પ્રવૃત્તિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ આગામી ડૉ. કુમાર વિશ્વાસની જલકથામાં તન, મન અને ધનથી સહયોગ માટે કોલ આપ્યો હતો.

       ​પ્રતિનિધિ મંડળ સાથે વાત કરતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચયના મહાયજ્ઞ દ્વારા જળ સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણનું કાર્ય કરી રહ્યું છે. ગીરગંગા દ્વારા તૈયાર થનાર ૧,૧૧,૧૧૧ સ્ટ્રકચરો ગુજરાતના ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવામાં અને ખેતીને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થશે. પ્રકૃતિની જાળવણી અને આવનારી પેઢી માટે પાણી બચાવવાની આપણી સૌની ફરજ છે, જેના માટે સમાજનો સહયોગ ખૂબ જ જરૂરી છે.

       ​આ પ્રસંગે સંબોધન કરતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણી અને ગીતાંજલિ કોલેજના સંચાલક શ્રી શૈલેષભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ગીરગંગાની પ્રવૃત્તિ માત્ર જળ સ્ટ્રકચર બનાવવાની નથી, પણ લોકજાગૃતિ લાવવાની છે. જળસંચય એ કોઈ સરકારી કાર્યક્રમ નથી, પરંતુ જનઆંદોલન બનવું જોઈએ. એક-એક વરસાદના ટીપાને ધરતીમાં ઉતારીને આપણે જળ સંકટને દૂર કરી શકીએ છીએ. આ પવિત્ર કાર્યમાં જોડાવાથી સમાજ અને રાજ્યનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. મોઢ વણિક સમાજનો સહયોગ અન્ય સમાજોને પણ પ્રેરણા આપશે.  આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનોજભાઈ કલ્યાણીએ કર્યું હતું.   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *