ગીરગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી જામનગર જિલ્લાના કાલાવડમાં મળશે વિશાળ જળ સંમેલન
જામનગરના સાંસદ પૂનમબેન માડમે ગીરગંગા પરિવાર કાર્યાલયની લીધી મુલાકાત
જળ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજરી આપશે
ગીરગંગા પરિવારને વધુ ત્રણ હિટાચી મશીનોનું લોકાર્પણ કરાશે
જળસંચયના 1,11,111 સ્ટ્રક્ચરના નિર્માણ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને હરિયાળું બનાવવાની નેમ સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રાજકોટના કાલાવડ રોડ પરના કાર્યાલયની મુલાકાતે આવેલા જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમે ગીરગંગા ટ્રસ્ટની જળસંચયની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક માહિતી મેળવી અતિ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં જામનગરના કાલાવડમાં જળસંચયની પ્રવૃત્તિને વધુ વેગ આપવા તેમજ જનભાગીદારી દ્વારા જળસંચયનું મહત્વ વધે તે હેતુથી એક વિશાળ જળ સંમેલનનું આયોજન થનાર છે. આ જળ સંમેલનમાં જળસંચયના કાર્યોમાં મદદરૂપ બનવા સમાજ શ્રેષ્ઠિઓ દ્વારા વધુ ત્રણ હિટાચી મશીનોનું પણ લોકાર્પણ થનાર છે. કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મળનાર આ જળ સંમેલનના આયોજન સહિતના હેતુઓને લઈને સાંસદ શ્રી પૂનમબેન માડમે ગીરગંગા કાર્યાલયની મુલાકાત લીધી હતી.
સાંસદ શ્રી પુનમબેન માડમ સાથે આ મુલાકાત પ્રસંગે કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ શ્રી નીરવ ભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, મંત્રી શ્રી કન્યા છાત્રાલય કાલાવડ જમનભાઈ તારપરા ,સામજિક આગેવાન વિઠલભાઈ સખીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગીરગંગાની પ્રવૃત્તિથી પ્રસન્નતા વ્યક્ત કરતા સાંસદ શ્રી પુનમબેન માડમે આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનવ જીવન તેમજ સમગ્ર પ્રકૃતિ માટે પાણી અમૂલ્ય છે. પાણી વગર જીવન જ અશક્ય છે ત્યારે ગીરગંગાના માધ્યમથી આ સંદર્ભે અદભુત કાર્ય થઈ રહ્યું છે. સાંસદ પૂનમબેને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાને જામનગર જિલ્લામાં આ અંગે વધુમાં વધુ પ્રવૃત્તિ થાય તે માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ પૂર્વે શ્રી દિલીપભાઈ સખિયાએ પાણીનો વ્યય અટકાવવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમજ પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા માટેની ગીરગંગા પરિવાર ટ્રસ્ટની ગતિવિધિ અંગે સાંસદ શ્રી પુનમબેન સહિતના ઉપસ્થિત મહેમાનોને માહીતગાર કર્યા હતા.
આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા ,પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વીરાભાઇ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, જેન્તીભાઈ સરધારા, સંજયભાઈ ટાંક, શ્રી ગોપાલભાઈ બાલધા, ઘનશ્યામભાઈ હેરભા, ડો, દેવાંગીબેન મૈયડ, કૌશિકભાઈ સરધારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































