#Blog

ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના સહયોગ અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ

સાવરકુંડલા-લીલીયા તાલુકામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલીયા તાલુકામાં પાણીના તળ ઊંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વિશેષ સહયોગ અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ આ લોકકલ્યાણનું કાર્ય વેગ પકડી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, હાલમાં અમરેલી જીલ્લાના 160 જેટલા ગામોના વિકાસ માટે એક ઐતિહાસિક જળસંચય અભિયાન ચાલી રહ્યું છે, જેમાં વિવિધ ગામના જૂના ચેકડેમોનું રિપેરિંગ અને તેને ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, વોકળાઓ પર નાના પાળા બાંધીને વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેના ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે. જેના કારણે ગામના સીમ વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નોંધપાત્ર રીતે હળવી થશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં “જળ એ જ જીવન”ના મંત્ર સાથે કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 9,000+ થી વધુ જળ સ્ટ્રકચરોનું નિર્માણ સંપન્ન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યના પરિણામે જે વિસ્તારોમાં ઉનાળામાં પાણીના શૂન્ય તળ હતા, ત્યાં આજે પાણી ઉપલબ્ધ છે.જળસંચયના કારણે ખેતીના પાકમાં વધારો થયો છે અને પશુપાલકો માટે ઘાસચારાની સુવિધા પણ સરળ બની છે હાલમાં સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં હિટાચી મશીનો દ્વારા ચેકડેમોની સંગ્રહ ક્ષમતા વધારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ તકે ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, જળસંચય એ આવનારી પેઢી માટેની સૌથી મોટી મૂડી છે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આ દિશામાં પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ અભિયાનમાં સ્થાનિક અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો પણ શ્રમદાન આપીને ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *