ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર પ્રખ્યાત ગૌસેવક, સમાજસેવક, ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા સાથે વિશેષ સંવાદ

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર પ્રખ્યાત ગૌસેવક, સમાજસેવક, ભારત સરકારના પૂર્વ મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંવાદ દરમિયાન GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ પોતાના જીવનપ્રવાસ અને ગૌસેવા સાથેના જોડાણ અંગે વાત કરી અને જણાવ્યું કે ગૌસેવા માત્ર ધાર્મિક અથવા સામાજિક પ્રવૃત્તિ નહીં, પરંતુ રાષ્ટ્રીય પુનર્નિર્માણનું એક સશક્ત સાધન છે. સંવાદ દરમિયાન તેમણે ગૌ ટેક 2026 પાછળનો મૂળ દ્રષ્ટિકોણ સમજાવતા જણાવ્યું કે આ માત્ર એક પ્રદર્શન ન હતું, પરંતુ ગૌ આધારિત ઉદ્યોગો, નવીનતા અને “ગૌપ્રેન્યોરશિપ” ને પ્રોત્સાહન આપતું એક વ્યાપક આંદોલન છે. પુણે ખાતે આયોજિત આ પ્રદર્શનને દેશભરના ખેડૂતો, યુવાનો, ઉદ્યોગકારો, સંશોધકો અને સંસ્થાઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.
ડૉ.કથીરિયાએ ગૌ ટેક 2026 ના મુખ્ય આકર્ષણો વિશે વાત કરતાં બાયો-સી.એન.જી, ગોબર આધારિત ઉત્પાદનો, પંચગવ્ય, ગૌ આધારિત કૃષિ પદ્ધતિઓ અને અન્ય નવીન ટેક્નોલોજી વિષે વિસ્તૃત માહિતી આપી. તેમણે ઉલ્લેખ કર્યો કે આ ક્ષેત્રમાં આધુનિકતા અને પરંપરાનો સુમેળ જોવા મળ્યો હતો, જે ભારતની આર્થિક અને પર્યાવરણીય સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેમ છે. ગૌ ટેક 2026 ના સામાજિક અને આર્થિક પ્રભાવ અંગે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે આ પ્રકારના પ્લેટફોર્મ ખેડૂતોની આવક વધારવા, ગ્રામિણ રોજગારી સર્જવા અને મહિલાઓ તેમજ સ્વસહાય જૂથોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને યુવાનો માટે “ગૌપ્રેન્યોરશિપ” એક નવી અને આશાસ્પદ કારકિર્દી તરીકે ઉભરી રહ્યું છે.તેમણે આ ક્ષેત્રમાં રહેલા પડકારો જેમ કે જાગૃતિનો અભાવ, નાણાકીય સહાય અને નીતિ આધારની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી અને જણાવ્યું કે સરકાર, ઉદ્યોગ અને સમાજના સંયુક્ત પ્રયાસોથી આ અવરોધોને દૂર કરી શકાય છે. તેમણે સૂચન કર્યું કે યોગ્ય નીતિઓ, તાલીમ અને બજાર વ્યવસ્થાથી ગૌ આધારિત ઉદ્યોગોને વધુ ગતિ આપવા આ પ્લેટફોર્મ સશક્ત માધ્યમ બની રહ્યું છે.
આગામી દ્રષ્ટિ અંગે તેમણે જણાવ્યું કે ગૌ ટેકને રાષ્ટ્રીય સ્તરથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી વિસ્તૃત કરવાની યોજના છે, જેથી ભારત ગૌ આધારિત અર્થવ્યવસ્થામાં વૈશ્વિક નેતૃત્વ મેળવી શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં ગૌ આધારિત ઉદ્યોગો ભારતની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરશે. સંવાદના અંતમાં ડૉ. કથીરિયાએ દેશના યુવાનો, ખેડૂતો અને ઉદ્યોગકારોને સંદેશ આપ્યો કે ગૌ સેવા માત્ર લાગણી નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એક મજબૂત આર્થિક આધાર બની શકે તેમ છે. તેમણે સૌને આ ક્ષેત્રમાં જોડાઈને નવી તકોનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા હતા.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી પુરીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, શ્રી અમિતાભ ભટ્ટનાગર મો. ૮૦૭૪૨ ૩૮૦૧૭ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































